વલસાડના કચીગામમાં 7 તોલા દાગીનાની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
વલસાડ: વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચાર બૂકાનીધારી લૂંટારૂઓએ વલસાડના કચીગામમાં શુક્રવારે રાત્રે દંપતીને મારમારી 7 તોલા સોનાના દાગીના, 2 મોબાઈલ અને રોકડા 12 હજારની લૂંટ કરી ફરાર થઈ જતાં ગામમાં ફપડાટ ફેલાઈ ગયો છે. થોડા દિવસો અગાઉ વલસાડ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારના રોણવેલમાં લૂંટ, અટગામના મંદિરમાં ચોરી અને હવે કચીગામ માં બૂકાનીધારી લૂંટારૂઓએ આતંક મચાવ્યો છે.
 
દંપતીને મારમારી રૂ.1.65 લાખની મત્તાની લૂંટી નાસી ગયા
 
કચીગામના સડક ફળિયામાં રહેતા રમણ નાથુ ઠાકોરના ઘરમાં શુક્રવારે રાત્રે 10:30ના અરસામાં હિન્દી ભાષામાં બોલતા ચાર અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. તેમણે છરીવડે રમણભાઈ અને જશોદા બેનને ડરાવી ધમકાવી રૂ.1.40 લાખના 7 તોલા સોનાના દાગીના,13 હજારના 2 મોબાઈલ અને રોકડા રૂ.12 હજાર મળી કુલ રૂ. 1.65 લાખનો મુદ્દામાલ લૂંટી ગયા હતા. 4 લૂંટારૂઓએ રમણભાઈ અને જશોદાબેનને લાકડામાં ફટકા મારી ઈજા પહોંચાડતા તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે રમણ ઠાકોરે રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
લૂંટારૂઓનો ડોરો હવે ગ્રામ્ય વિસ્તાર ભણી

વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અને કેરીની વાડીઓ ધરાવતા ખેડૂતો ઉનાળાની સિઝનમાં આર્થિક રીતે થોડા સધ્ધર થયા હોવાનું જાણી આ લૂંટાળું ટોળકીએ હવે ગ્રામ્ય વિસ્તારને નિશોનો બનાવ્યા છે. વલસાડ નજીક રોણવેલ ગામે અગાઉ લૂંટારૂ ટોળકીએ લૂંટ કરી, અટગામના હનુમાન મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. હવે બુકાનીધારી અને હિન્દી બોલતા લૂંટારૂઓએ કચીગામના દંપતીને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વલસાડ ગ્રામ્ય પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં થોડી કડકાઈ રાખે તો આવા બનાવોને રોકી શકાય છે.
 
અન્ય સમાચારો પણ છે...