ચણોદમાં ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં વીજ કરંટ લાગતા સાત વર્ષની બાળકીએ હાથ ગુમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચણોદમાં ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં વીજ કરંટ લાગતા સાત વર્ષની બાળકીએ હાથ ગુમાવ્યો
વીજ કંપનીની બેદરકારી અને બિલ્ડર દ્વારા નાંખવામાં આવેલી રેતીથી બની દુર્ઘટના


વાપી: વાપી નજીકના ચણોદગામે રવિવારે વીજ કંપનીના ખુલ્લા ટ્રાન્સફોર્મરના વીજ કરંટના કારણે સાત વર્ષની માસુમ બાળકીએ પોતાનો હાથ ગુમાવવાની નોબત આવી છે. વીજ કંપનીની ગંભીર બેદરકારી અને બિલ્ડર દ્વારા ત્યાં જ ખાલી કરવામાં આવેલી રેતીના કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. હાલ તો બાળકીને વધુ સારવાર અર્થે સુરત રીફર કરવામાં આવી છે.વાપીના ચણોદગામે રહેતી સાત વર્ષીય રોશની કાશીરામ મહંતો રવિવારે શુભમ એપાર્ટમેન્ટ નજીકથી જઇ રહી હતી ત્યારે જ એક ભારે વાહન ત્યાંથી પસાર થતાં રોશની સડકના કિનારે ખસવાનો પ્રયાસ કરતા પડી ગઇ હતી.

રોશનીનો જમણો હાથ ત્યાં હાલમાં જ વીજ કંપની દ્વારા બનાવવામાં આવેલી વીજ ટ્રાન્સફોર્મર સાથે અડી જતા જમણા હાથ ઉપર ગંભીર રીતે દાઝી ગઇ હતી.જમણા હાથના ભાગે ગંભીર રીતે દાઝેલી રોશનીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, આખા હાથના ભાગે દાઝેલી રોશનીના હાથ હમેંશ માટે ગુમાવવો પડે તેવી પરિસ્થિતિ હોવાનું તબીબોએ જણાવ્યું છે. રોશનીને સોમવારે વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જણવા મળે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વીજ કંપની દ્વારા હાલમાં જ બનાવવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ફેન્સીંગ કર્યુ ન હોવાના કારણે તથા બિલ્ડર દ્વારા ત્યાં જ રેતી ખાલી કરી દીધી હોવાના કારણે આ દુર્ઘટના બની છે.