તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડામાં પકડાયેલા નાણા પર ૪૦ ટકા ટેક્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાળા નાણાંની આવક આગામી રિટર્નમાં જાહેર કરે તો પ૦ ટકા
- એસેસમેન્ટમાં બેનામી આવક પકડાય તો ૬૦ ટકાનો ટેક્સ ભરવો પડે


ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સુરતની ટીમે વલસાડ, વાપી, સંઘપ્રદેશ સેલવાસ, દમણ અને નવસારીમાં પાડેલા દરોડામાં રૂ. ૭૬ કરોડની બેનામી આવક પકડાઇ હતી. તો હજુ કેટલીક પેઢીમાં દરોડાની કામગીરી યથાવત રહી છે. દરોડાની આ પ્રક્રિયા બાદ કરદાતાઓએ જાહેર થયેલા કાળા નાણા પર ૪૦ ટકા જેટલો ટેક્સ ભરવો પડશે. જે જોતાં હાલ ઇન્કમ ટેક્સને રૂ. ૩૦.૪ કરોડની સીધી આવક થઇ ગઇ છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સુરતની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં બિલ્ડર, હોટેલ અને ફાર્મા કંપની પર સાગમટે દરોડા પાડયા હતા. જેમાં તેમણે ૪ દિવસની તપાસ બાદ વાપીના મોટા ગજાના બિલ્ડર એલ. એન. ગર્ગ અને તેના ભાગીદારો મળી રૂ. ૩૦ કરોડ, પ્રશાંત ડેવલપર્સ ના ભાગીદારો પાસેથી રૂ. ૩૦ કરોડ, નાગજુઆ ડેવલપર્સ પાસેથી રૂ. ૧૦ કરોડ અને ડયૂન રેસીડન્સી પાસેથી રૂ. ૬ કરોડનું કાળુ નાણું ઝડપી પાડયું હતું. તો તેમણે દમણના ગોલ્ડન બીચ રિર્સોટ, નવસારીના બિલ્ડર વિપીન પટેલ, વલસાડના બિલ્ડર દિનકરભાઇ અને વાપી કેર ફાર્મામાં પીઓના ઓર્ડર થયા હતા. આ તમામ સ્થળે હજુ તપાસ ચાલુ છે.

ઇન્કમટેક્સ વિભાગે આ દરોડા દરમિયાન રૂ. ૧ કરોડ જેટલી રોકડ રકમ અને રૂ. ૨ કરોડના ઘરેણાં પણ સીઝ કર્યા હતા. આ ઘરેણા અને રોકડનો હિ‌સાબ તેમના દ્વારા કઢાશે. જેમાં જેટલા ઘરેણાં અને રોકડાનો તાળો ન મળે તો તેનો સમાવેશ પણ બેનામી આવકમાં થશે. જેમાં પણ ઇન્કમ ટેક્સ ૪૦ ટકા જેટલો ટેક્સ વસૂલશે.

- પ૦ ટકા સુધી ટેક્સ લાગશે

ઇન્કમટેક્સના દરોડામાં ઝડપાયેલી બેનામી આવક આગામી રિટર્નમાં દર્શાવે તો તેનો ટેક્સ પ૦ ટકા થઇ જતો હોય છે. જેથી મોટે ભાગના કરદાતાઓ સરવે દરમિયાન પકડાયેલી બેનામી આવકની કબુલાત કરી ટેક્સ ભરી દેવાનું મુનાસીબ માનતા હોય છે. જો તેઓ પાછળથી ટેક્સ ભરે તો ૧૦ ટકાનો વધારો લાગે છે. જો તેઓ આ ટેક્સ ન ભરી ઇન્કમટેક્સને પડકારે અને એસેસમેન્ટમાં જો આ આવક બેનામી જાહેર થાય તો તેના પર ટેક્સ વધીને ૬૦ ટકા થાય છે.

- સર્ચ કરતાં સરવે સરળ

સરવે દરમિયાન પકડાયેલી બેનામી આવક પર રેગ્યુલર ૩૦ ટકાનો જ ટેક્સ ભરવો પડતો હોય છે. ત્યારે સર્ચમાં આ જ આવક પર ટેક્સ વધી રૂ. ૪૦ કરોડનો થઇ જાય છે. ઉપરાંત પોતાના ઘરની જડતી થાય છે અને રોકડ અને ઘરેણા સિઝ થતાં મુશ્કેલી વધી જતી હોય છે. ત્યારે મોટા કરદાતાઓ સામેથી જ સરવે કરાવવામાં માની રહ્યા હોવાની પણ વ્યાપક ચર્ચા ચાલી રહી છે.