૩પ વર્ષના યુવાનની હત્યા કર્યા બાદ લાશ નદીમાં ફેંકી દેવાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પારનદીમાં સેલો ટેપથી હાથ પગ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી
૩પ વર્ષના યુવાનની હત્યા કર્યા બાદ લાશને પાર નદીમાં ફેંકી દેવાય હતી


પારડીની પાર નદીમાંથી રવિવારે બપોરના સુમારે સેલો ટેપથી હાથ પગ બાંધેલી હાલતમાં અંદાજે ૩પ વર્ષના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા કર્યા બાદ લાશને પાર નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવતા જ પારડી પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી મૃતક યુવાનની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે.

નેશનલ હાઇવે નંબર આઠ સ્થિત પારડીના પાર નદીમાં રવિવારે બપોરના સુમારે ચંદ્રપુર ખાતે રહેતા મંગેશભાઇ માંગેલાને એક લાશ જોવા મળી હતી. આ અંગે પારડી પોલીસને જાણ કરાતા તાત્કાલિક પીએસઆઇ બી.જે. સરવૈયા તેમની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિક રહીશની મદદથી લાશને હોળી મારફતે બહાર કાઢીને જરૂરી તપાસ કરી હતી.

પ્રાથમિક તપાસમાં અંદાજે ૩પ વર્ષના અજાણ્યા યુવાનને ખૂબ જ ક્રુરતાપૂર્વક કોઇક અજ્ઞાત સ્થળે નાયલોનની દોરી જેવા સાધનથી ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી. યુવાનની ઓળખ ન થાય અથવા અન્ય કોઇક કારણોસર તેમના હાથ અને પગ બાંધીને મોંઢાના ભાગે સેલો ટેપ વીંટાળી દઇને લાશને હાઇવે બ્રિજ ઉપરથી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું જણાય આવે છે. પારડી પોલીસે હાલ તો અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને મૃતક યુવાનની ઓળખ થયા તે દિશામાં તપાસ આગળ વધારી છે.

જે રીતે હત્યા કરવામાં આવી હતી અને હત્યાને પાર નદીમાં ફેંકી દેવામાં આવી છે તે જોતા કોઇક અંગત દુશ્મનાવટમાં હત્યા થઇ હોવાનું જણાય આવે છે.વાપીના કરમખલગામેથી હાલમાં જ હત્યા કરીને એક કેરબામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસ હજુ સુધી આ મૃતક યુવાનની ઓળખ કરી શકી નથી ત્યાં પાર નદીના બ્રિજ નીચેથી વધુ એક લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં ખાસ કરીને વાપી અને પારડી વિસ્તારમાંથી હત્યા કરીને ફેંકી દેવાની ઘટના વધી રહી છે.