વાપીમાંથી ત્રણ વર્ષની બાળકી અચાનક ગુમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંગણામાં રમતી બાળકીને કોઇ ઉઠાવી ગયાની શંકા

વાપી ડુંગરા વિસ્તારમાં રહેતી ૩ વર્ષિ‌ય માસુમ બાળકી ગુરુવારે ઘરના આંગણામાં રમી રહી હતી. એ દરમિયાન અચાનક ગુમ થઇ ગઇ હતી. જેના માતાપિતાએ તેની ભારે શોધખોળ આદરી હતી, પરંતુ રાત સુધી તેનો પત્તો ન લાગતાં આખરે તેમણે બાળકીને શોધવા પોલીસનો સહારો લીધો છે. જોકે, હજુ સુધી બાળકીનો પત્તો લાગી શક્યો નથી. બાળકીને કોઇ ઉઠાવી ગયું હોવાની પણ શંકા સેવાઇ રહી છે. વાપી ડુંગરા ગેટ ફળિયા રોડ પર આવેલા યુસુફનગર સામે રહેતા અબ્દુલ મુસ્તુફા આશિકઅલીની ૩ વર્ષિ‌ય માસુમ પુત્રી મિનિયા ગુરુવારે સમી સાંજે ઘરના આંગણામાં રમી રહી હતી. આ દરિમયાન તેણી અચાનક ગુમ થઇ ગઇ હતી.

તેણીને શોધવા તેના પરિવારજનો તેમજ આજુબાજુના રહિ‌શોએ ભારે શોધખોળ આદરી હતી, પરંતુ મોડી રાત સુધી તેણીનો પત્તો લાગી શક્યો ન હતો.માત્ર ૩ વર્ષની બાળકી પોતે ગુમ થઇ કે કોઇ ઉપાડી ગયું એ વિશે પણ અનેક શંકા ઉઠી રહી છે. જોકે, તેનો પણ કોઇ પત્તો લાગી શક્યો ન હતો. આખરે હારી થાકીને બાળકીના પિતા અબ્દુલ મુસ્તુફા આશિક અલીએ વાપી ટાઉન પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે બાળકીના અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં છેલ્લા થોડા સમયથી ચોરીની ભારે બૂમરાણ ઉઠી છે. રાત્રી દરમિયાન ઘરફોડમાં રોકડ અને સોનાના ઘરેણા બાદ ધોળે દિવસે વાસણોની પણ ચોરી થઇ છે. જોકે, હવે બાળકો ગુમ થવાની ફરિયાદ પણ ઉઠી રહી છે, ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકીની ગુમ થવાની આ ઘટના વાપી પોલીસ માટે લાલબત્તી સમાન બની છે.