૧૪ કરોડની ઉદ્વહન યોજના અધ્ધરતાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડોદરાના કોન્ટ્રાકટરને ૯૦ ટકા પેમેન્ટ ચુકવાઈ ગયું હોવા છતાં યોજના ઘોંચમાં
- વલસાડના ૧૮ ગામોને જોડતી પાણીની યોજનામાં કરોડો રૂપિયાનું આંધણ, છતાં તંત્ર નિંદ્રાધીન


વલસાડ તાલુકાના ૧૮ ગામોને જોડતી ૧૪ કરોડની ચિંચાઈ ઉદ્વહન યોજના છેલ્લા છ વર્ષથી સાકાર ન થતા આ મામલે અનેક શંકા કુશંકા જન્મી છે. ૧૮ ગામડાઓને ખેતીનું પાણી પૂરી પાડી નંદનવન બનાવનારી આ મહત્વાકાંક્ષી યોજના હજુ સુધી પરિપૂર્ણ ન થતા અગાઉ ફરજ બજાવી ગયેલા અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતના મુદ્દે ચર્ચાઓ ઉઠી છે. વલસાડ તાલુકાના ૧૮ ગામડાઓને નંદનવન બનાવનારી ચિંચાઈ ઉદ્વહન યોજનાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭માં કરવામાં આવ્યો હતો.

જે યોજના વર્ષ ૨૦૧૧માં પરિપૂર્ણ કરવાની હતી, પરંતુ આ યોજના હજુ સુધી સાકાર થઈ શકી નથી. આ યોજનાને સાકાર કરવા માટે ૧૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેનો કોન્ટ્રાકટ બરોડાના નિયતી કન્સ્ટ્રકશનને સોંપવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટર દ્વારા આ યોજનાની કામગીરી આરંભ કરાઈ હતી, પરંતુ જે પ્રમાણમાં કામ થયું છે તેના પ્રમાણમાં વધુ નાણા કોન્ટ્રાકટરને અગાઉના અધિકારીઓની મિલીભગતમાં ચૂકવાયા હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ પેમેન્ટ મુજબ સ્થળ ઉપર જે કામગીરી થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. તેવા સંજોગોમાં સરકારના કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યુ હોવાનું જણાઈ રહ્યું છે. જેથી ૧૮ ગામોને ઉપયોગી આ યોજના વહેલી તકે પૂર્ણ થાય તો હજારો ખેડૂતોની કાયાપલટ થઈ શકે તેમ છે.

- આ ગામડાના ખેડૂતોને પાણીનો કાયમી લાભ મળશે

ઉકાઈ ડાબા કાંઠાના છેવાડાના ૧૦ ગામો પૈકી ભોમા પારડી, રોણવેલ, દુલસાડ, ઓઝર, ગાડરીયા, ભૂતસર અને અંજવાલ સહિ‌તના ગામો અને દમણગંગા યોજનાના આઠ ગામો પૈકી વેલવાચ, વાંકલ અને ફલધરા સહિ‌તના ગામોને આવરી લેવામાં આવ્યા છે

- ખેડૂતોને સમજાવી યોજના પૂર્ણ કરાશે

વલસાડ તાલુકાના ફલધરા, વેલવાચ અને વાંકલ સહિ‌તના ૧૮ ગામોમાંથી પસાર થનારી પાણીની પાઈપ લાઈન માટે તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી નથી. માત્ર ખેડૂતોને સમજાવીને પાઈપ લાઈન પસાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે કેટલાક ગામના ખેડૂતોએ આ યોજનાનો વિરોધ પણ કર્યો છે.

- કોન્ટ્રાકટરને કામગીરી પૂર્ણ કરવા અલ્ટીમેટમ

આ યોજના વહેલી તકે પરિપૂર્ણ થાય તે માટે નિયતી કોન્ટ્રાકટરને ડિસેમ્બર-૨૦૧૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. હાલમાં જે કામગીરી અટકી છે તેમાં મૂળ કારણ કેટલાક ખેડૂતો સંમતિ આપી ન રહ્યા હોવાના કારણે અસર પડી છે. એસ.આર.મહાકા, અધિક્ષક ઈજનેર, દમણગંગા કચેરી

- સીધી વાત
બી.ડી.સુરતી
ઇજનેર, દમણગંગા નહેર વિભાગ, વલસાડ

આ યોજના સાકાર કેમ થઈ શકી નથી?
કેટલાક ખેડૂતોએ પોતાની જમીનમાંથી પાઈપ લાઈનની મંજૂરી આપી છે કેટલાકે આપી નથી.
કોન્ટ્રકટરને ૯૦ ટકા પેમેન્ટ ચુકવાયું હોવાનું ખેડૂતો જણાવે છે, તે સાચુ છે?
જેટલું કામ થયું છે તેટલું જ પેમેન્ટ ચૂકવાયું છે. ૧૪ કરોડની યોજના માંથી ૧૦ કરોડ ચૂકવાયા છે.
કામગીરી ફરી કયારથી શરૂ થશે?
દિવાળી બાદ અધૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવશે.