તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળીના તહેવારોમાં એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ના ફેરામાં ૪૦ ટકાનો વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ના ત્રણ દિવસમાં ૨૯૧ ફેરા

સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સી ૧૦૮ના ફેરામાં ૪૦ ટકાનો વધારો થયો છે. ઇમર્જન્સી મેડિકલ એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ દ્વારા વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન ૨૯૧થી વધુ ફેરા મારવામાં આવ્યાં હતા. જેમાં સૌથી વધુ કેસો માર્ગ અકસ્માતના નોંધાયા હતા ,જ્યારે દિવાળીના દિવસોમાં દાઝી જવાથી માત્ર ૩ ફેરામાં જ ઇમર્જન્સી સેવાની જરૂર પડી હતી. ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ દિવાળીના તહેવારોમાં પણ દોડતી રહી હતી.

વાપી,વલસાડ,ધરમપુર ,ઉમરગામ અને પારડી વિસ્તારની એમ્બ્યુલન્સો વિવિધ વિસ્તારમાં ફરતી રહી હતી. ૧૦૮ ઇમર્જસી એમ્બ્યુલન્સ વલસાડ સ્થિત કોઓર્ડિનેટર મનિષ ચૌધરીના જણાવ્યા અનુસાર ૨થી ૪ નવેમ્બર વચ્ચે વિવિધ ઇમર્જન્સીઓમાં એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ દ્વારા ફેરા મારવામાં આવ્યાં હતા.ત્રણ દિવસમાં ૨૯૧ જેટલા ફેરા વલસાડ જિલ્લાની એમ્બ્યુલન્સો દ્વારા મારવામાં આવ્યાં હતા. આ તમામ ફેરાઓ દરમિયાન અકસ્માતના ૬૭,પેટમાં દુખાવાના ૪૨ ,ડિલીવરીના ૭૦,ફિવરના ૧૭,ખેંચના ૨, બેભાનના ૭, શ્વાસને લગતી બીમારીના ૭ , દાઝવાના ૩ અને અન્ય બીમારીના ૨૮ કેસ નોંધવામાં આવ્યાં હતા. આમ દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતાં વધારે કેસો નોંધાતા ૧૦૮ના કર્મચારીઓ સતત દોડતા રહયા હતાં.

- તાલુકાદીઠ કેસોની સંખ્યા

સૌથી વધારે વલસાડ તાલુકામાં ૨૯ કેસો નોંધાયા હતા, જયારે ધરમપુર તાલુકામાં ૨૮ અને અંતરિયાળ કપરાડા તાલુકામાં ૧૦૮ની ટીમે ૨૨ ફેરા માર્યા હતાં. જયારે પારડી અને ઉમરગામ તાલુકામાં પણ ૨૦ થી વધુ કેસો નોંધાયા હતાં. ૨ નવેમ્બરે ૮૨, ૩ નવેમ્બરે ૧૦૧ અને ૪ નવેમ્બરે ૧૦૮ કેસોમાં ૧૦૮ની ટીમ દોડતી રહી હતી.

- કયા કારણે કેસો નોંધાયા?

દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા માટે વધારે જતાં હોય છે. લોકોના ધસારાના પગલે માર્ગ પર અકસ્માતના બનાવો બનતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ સૌથી વધારે માર્ગ અકસ્માતના ૬૭ કેસો નોંધાયા છે. તહેવારોના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સની લોકોને જરૂર પડી હતી. જો કે અકસ્માતના કેસોમાં એક પણ વ્યકિતનું મોત નિપજયું નથી.

- પ્રસૂતિના ૭૨ કેસો

૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલેન્સમાં સૌથી વધારે પ્રસૂતિના કેસો આવ્યાં હતા. પાંચેય તાલુકામાંથી ૭૨ થી વધારે પ્રસૂતિના કેસો નોંધાયા હતા. અકસ્માતના કેસો કરતાં પણ સૌથી વધારે પ્રસૂતિના કેસો નોંધાયા છે. જો કે ગ્રામ્ય વિસ્તારના લોકો મહિ‌લા પ્રસૂતિમાં ૧૦૮ એમ્બ્યુલેન્સનો ઉપયોગ સૌથી વધારે કરે છે.

- ૪૦ ટકા કેસોનો વધારો

દર વર્ષે તહેવારોમાં ઇમર્જન્સી મેડિકલ એમ્બ્યુલન્સની સૌથી વધારે જરૂર પડતી હોય છે. ચાલુ વર્ષે ૪૦ ટકા કેસોનો વધારો થયો છે. માર્ગ અકસ્માતના કેસો ચાલુ વર્ષે પણ વધારે નોંધાયા છે. આગના કેસો ઓછા નોંધાતા રાહત અનુભવાઇ છે. એંકદરે દિવાળીના તહેવારોમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દોડતા રહયા હતાં.
- મનિષ ચૌધરી,૧૦૮ ઇમર્જસી એમ્બ્યુલન્સ વલસાડ સ્થિત કોઓર્ડિનેટર