• Gujarati News
  • Young Man Kidnapped In Rajkot, Gold Chain Theft From Him

કુખ્યાત શખ્સે યુવાનને ઉઠાવી જઇ પાંચ લાખ માગી સોનાના ચેઇનની લૂંટ ચલાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિવશ્રધ્ધા સોસાયટીમાં રહેતા પટેલ યુવાનને કુખ્યાત શખ્સે કામના બહાને લઇ ગયા બાદ સાગરીતોની મદદથી છરીને અણીએ પાંચ લાખની માગણી કરી હતી. માગણીના તાબે ન થનાર યુવકને માર મારીને ૩પ હજારની કિંમતનો સોનાનો ચેઇન લૂંટીને આરોપીઓ નાસી ગયા હતા.

બનાવ અંગે ભાવેશભાઇ ઉકાભાઇ કોટડિયા નામના પટેલ યુવકે આરોપી તરીકે ભરત જીવરાજભાઇ લીંબાસીયા અને તેના બે સાગરીત સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઘરે હતો ત્યારે આરોપી ભરત કાર લઇને ઘરે આવ્યો હતો અને કામ છે તેમ કહીને ગણેશ કોમ્પ્લેકસ નજીક તેની (ભાવેશની) ઓફિસ નજીક લઇ ગયો હતો. જ્યાં ભરતના અન્ય બે સાગરીત અગાઉથી ઉભા હતા. કારમાંથી બહાર કાઢીને આરોપીઓએ હુમલો કરીને મારકૂટ કરી હતી. તેમજ છરી બતાવીને પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી.

પાંચ લાખ રૂપિયાની માગણીના તાબે નહીં થતાં ઉશ્કેરાયેલા આરોપીઓ માર મારીને ગળામાંથી અઢી તોલા વજનનો ૩પ હજારની કિંમતનો સોનાનો ચેઈન લૂંટીને નાસી ગયા હતા. પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લૂંટ કરીને નાસી ગયેલા આરોપી પૈકી ભરત લીંબાસીયાની અગાઉ ખૂનના ગુનામાં ધરપકડ થઇ હતી. તેમજ ગેરકાયદે શસ્ત્રના કેસમાં પણ તે પકડાયો હતો.

ફાસ્ટ ફૂડનો ધંધાર્થી તમંચા સાથે પકડાયો

હરી ધવા મેઇન રોડ ઉપર વિશ્રાંતિ સોસાયટીમાં રહેતા અને એ જ વિસ્તારમાં સોહમ ફાસ્ટ ફૂડ નામની દુકાન ધરાવતો ધર્મેશ ઉર્ફે ધમો પોપટભાઇ સાવલિયા ગેરકાયદે શસ્ત્ર રાખતો હોવાની ભકિતનગરના ભાવેશભાઇ અને દીપક ચૌહાણને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આજે રાતે આરોપીને અટકાયતમાં લીધો હતો. તલાસી લેતા તેની પાસેથી ૧૦ હજારની કિંમતનો દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપી ધર્મેશના ચાર માસ પહેલાં પણ એક રિવોલ્વર અને દેશી તમંચા સાથે એસઓજીના સ્ટાફે પકડયો હતો. તે ગેરકાયદે શસ્ત્રો કયાંથી લાવે છે, હથિયારનો કયા ગુનામાં ઉપયોગ કરવાનો હતો તે સહિ‌તના મુદે તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.