કાઉન્સિલરનો દીકરો જ તરુણીને ભગાડી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તરસાડીમાં બનેલી ઘટનામાં લગ્નની લાલચે બાઈક પર ભગાડી જનારા યુવક સામે તરુણીના પિતાએ ફરિયાદ નોંધાવી

તરસાડી પાલિકામાં ભાજપના મહિ‌લા કાઉન્સિલરના દીકરાએ ફળિયામાં જ રહેતી એક તરુણીને લગ્નની લાલચે અપહરણ કરી જતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે તરુણીના પિતાએ યુવક સામે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર તરસાડી નગરપાલિકાના ર્વોડ નં.૬ના કાઉન્સિલર અને આગામી દિવસોમાં પાલિકાના સંભવિત બનનારા પ્રમુખ બબિતાબેન વસાવા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમના દીકરા વિજય છત્રસિંહ વસાવાએ ઘર પાસે જ રહેતી એક ૧પ વર્ષની તરુણીને ભગાડી જવાની ઘટના બની છે.

કાઉન્સિલર બબિતાબેનના દીકરા વિજય ઉર્ફે લાલુને ઘર નજીક જ રહેતી એક તરુણી સાથે ઘણાં સમયથી પ્રેમ સંબંધ હતો. તે વારંવાર તરુણીને ઉપાડી જવાની ધમકી તરુણીના પિતાને આપતો હતો. શુક્રવારે તરુણીના દાદાનું અવસાન થયું હોવાથી વિધિ માટે બ્રાહ્મણને મળવા અને સ્થળ નક્કી કરવા માટે તરુણીના પિતા ભરૂચ ગયાં હતા. આ સમયે તેમની નાની દીકરી ઘરે એકલી હતી.

આ એકલતાનો લાભ લઈ વિજય તેમના ઘરે આવ્યો હતો અને ૧પ વર્ષીય તરુણીને લગ્નની લાલચે મોટરસાઈકલ પર બેસાડીને ભગાડી ગયો હતો. તરુણીના પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારે તરુણી ઘરે જોવા મળી ન હતી. આથી આ બાબતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તરુણીના પિતાને જાણવા મળ્યું કે તરુણીને તો તરસાડી પાલિકાના કાઉન્સિલ બબિતાબેનનો દીકરો વિજય મોટરસાઈકલ પર બેસાડીને ભગાડી ગયો છે.

આથી તરુણીના પિતા કોસંબા પોલીસ મથકે ધસી ગયાં હતા. વિજય સામે તરુણીના પિતાએ કાયદેસરના વાલીપણા હેઠળ તરુણીનું અપહરણ કરવાની ૩૬૩, ૩૬પ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુનો કોસંબા પોલીસે નોંધી વધુ તપાસ સીપીઆઈ શેખ કરી રહ્યાં છે. આ બનાવને પગલે તરસાડી વિસ્તારમાં ભારે ચકચાર મચી ઘઈ હતી.