વ્યારા સસલાના સ્કેમમાં એક ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારાના સાઈ મોલમાં ઓફિસ ખોલી સસલા પર રોકાણ કરવાની લોભામણી સ્કીમ રજૂ કરી હતી અને લોકો પાસેથી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા

વ્યારા નગર ખાતે આવેલ સાઈ મોલમાં એક ઓફિસ ખોલી કંપનીના નામે બોગસ લોભામણી જાહેરાતો આપી સસલા ઉપર રોકાણ કરવાની લોભામણી સ્કીમો રજૂ કરી હતી અને ટૂંક સમયમાં જ વધુ પડતો નફો કમાવવાની લાલચ આપી હતી. તેણે ૨૬ લોકો પાસે આ સ્કીમમાં રોકાણ કરાવી ૩૨.૬૪ લાખની છેતરપિંડીની શુક્રવારે વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાના ત્રણ આરોપી પૈકી એકનો વલસાડ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવ્યો છે.

સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ખાતે રહેતા ફ્રાન્સીસ રતનજી ગામીતે શુક્રવારે વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે વ્યારા નગર ખાતે આવેલ સાઈ મોલની દુકાન નં ૧૧૩માં ચંદ્રશેખર હરિભાઈ મોરે, અશ્વિનભાઈ હરીભાઈ મોરે, ભરતભાઈ પ્રભુભાઈ મહેશ્વરી દ્વારા રીચ રેબીટ ઈન્ડબ્રીડ કો. ઓ. હસબન્ડરી પ્રા. લિ.ના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦-૧૧માં ખોલી હતી. રોકાણકારોને રોકાણ કરવા વિવિધ સ્કીમ આપી હતી. આથી તાપી જિલ્લાના અંદાજિત ૨૬ જેટલા રોકાણકારોએ ૩૨૬૪પ૦૦ રૂપિયા રોક્યા હતાં, જે થોડા સમય રોકાણકારોને સમયસર વ્યાજ મળ્યા બાદ કંપની દ્વારા રોકાણકારોને વ્યાજના રૂપિયાના હપતા ચૂકવવામાં અખાડા કર્યા હતાં. આ અંગે પીએસઆઈ એ. પી. ભથવારે વધુ તપાસ શરૂ કરી હતી.

છેતરપિંડી કરનારની ટોળકી દ્વારા નાસીક વલસાડ સહિ‌ત વિવિધ સ્થળોએ લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની હકીકત બહાર આવી હતી. આ અંગે વલસાડ પોલીસે આ પ્રકાર ના ગુના માં ત્રણ આરોપી પૈકી એક આરોપી ભરતભાઈ પ્રભુભાઈ મહેશ્વરી (પ્રમુખ આદર્શ પોવસીયર અતુલ, પારડી રોડ વલસાડ) ને પકડી લીધો હતો તેનો ટ્રાન્સફર વોરન્ટ થી કબજો મેળવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે આ ગુના ના મુખ્ય આરોપી ચંદ્રશેખ હરીભાઈ મોરે, અશ્વિનભાઈ હરિભાઈ મોરે બંને મુખ્ય સંચાલક રીચ પ્રા. લિ. (રહે. ૨૦૨ રેસીડેન્સી ટાવર સેકન્ડ ફ્લોટ સ્ટીટબાલી મોટર સામે ગડકરી ચોક નાશીક) હજુ વોન્ટેડ છે.