કડોદ નગરમાં મુખ્ય માર્ગ પર સ્વૈચ્છિક ડિમોલિશન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કડોદ નગરના મુખ્ય માર્ગના દબાણમાં આવતી મિલકતોને માલિકે ઉતારી સ્વૈચ્છિક ડિમોલિશન શરૂ કર્યુ
બારડોલી તાલુકાના કડોદ ગામે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ટ્રાફિક સમસ્યા અંગે ગ્રામજનો અને સરકારી અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં દબાણમાં આવતી મિલકત દૂર કરવાનું નક્કી થયું હતું, જેના અનુસંધાનમાં સોમવારના રોજ ગ્રામજનોએ સ્વૈચ્છિક ડિમોલિશન શરૂ કર્યુ હતું.
નવસારી-માંડવી સ્ટેટ હાઈવે બારડોલી તાલુકાના કડોદ ગામના મધ્યેથી પસાર થાય છે. રોડના નવીનીકરણ દરમિયાન કોઈક કારણસર કડોદ ગામમાં માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. આ કારણે કડોદ નગરમાં અવારનવાર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, તેની સાથે અકસ્માતનો ભય રહે છે. આ સમસ્યાના અનુસંધાને ગત ૨૯ જાન્યુઆરીના રોજ ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ હતી.
સ્થાનિક અગ્રણી અને અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગામમાં કુલે ૨૪૨ મિલકતધારકોએ દબાણ કર્યુ હોવાની હકીકત બહાર આવી હતી. જેમાં ૨૦થી વધુ મિલકતધારકોનું દબાણ વધુ પડતું હોવાની હકીકત બહાર આવી હતી. આ દબાણ દૂર કરવા માટે આર. એન્ડ બી.ના અધિકારીઓએ દબાણકર્તાઓને પ ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો આ સમય દરમિયાન દબાણ દૂર ન થયું હોય તો આર. એન્ડ બી. દ્વારા દબાણ દૂર કરશે.
આ અનુસંધાનમાં સોમવારના રોજ કડોદ મેઈન બજાર, વાણિયા વાડ, સહિ‌ત ૩૦ દબાણકર્તાઓએ સ્વયંભુ દબાણ થયેલી જગ્યા ખુલ્લી કરી આર. એન્ડ બી.ની કામગીરીમાં સાથ સહકાર આપ્યો હતો. જ્યારે બાકી રહી ગયેલું દબાણ આર. એન્ડ બી. દ્વારા મંગળવારે કામગીરી હાથ ધરશે.
- નવીનીકરણથી માર્ગ ૧૦ મીટર પહોળો થશે
કડોદ નગરમાંથી પસાર થતો નવસારી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર દબાણને કારણે ટ્રાફિક સમસ્યા વકરતી હતી. જે ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં માટે કડોદ નગરમાં થયેલું દબાણ દૂર કરી રાજ્યધોરી માર્ગનું નવીનીકરણ કરાશે. આ માર્ગ ૧૦ મીટર પહોળો થવાની સાથે આ માર્ગ પર વીજપોલ હટાવવા અને નવા પોલ રાખવા જેવી સુવિધા સહિ‌ત યોગ્ય બનાવવામાં આવશે.