તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૬ હજાર કરોડના ટાર્ગેટ માટે વેટ વિભાગની નજર હવે લારીઓના વકરા પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અધિકારીઓના ધ્યાને આવ્યું છે કે લારીઓનો રોંજિદો વકરો ૩પથી લઈને પ૦ હજાર સુધીનો છે, રવિવારે તો ૧ લાખથી વધુ

વેટ વિભાગ રૂપિયા ૬ હજાર કરોડનો ટાર્ગેટ હાંસિલ કરવા માટે નિતનવા પ્રયોગ કરવા જઈ રહ્યું છે. હવે અધિકારીઓ જાણીતી ખાણી-પીણીની લારીઓ પર ચેકિંગ કરીને ટેક્સની રકમ નક્કી કરશે. આ માટે અધિકારીઓ એક દિવસ નક્કી કરીને લારી પર જ અડ્ડો જમાવશે અને જે સરેરાશ આવે તેના આધારે તે લારીનું એવરેજ ટર્નઓવર નક્કી કરશે. અગાઉ આ પ્રયોગ હોટલ અને રેસ્ટોરાં પર કરવામાં આવ્યો હતો, જે મહદઅંશે સફળ પણ રહ્યો હતો.

અધિકારીઓનું માનવું છે કે શહેરમાં અનેક લારીઓ એવી છે જ્યાં રવિવારે તો ટર્નઓવર ૧ લાખની ઉપર પહોંચી જાય છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત જગપ્રસિધ્ધ છે, પરંતુ આ જ કહેવત હવે ખુમચા કલ્ચર પર ભારે પડશે. સુરતીઓ હોટલ અને રેસ્ટોરાં કરતાં લારીઓ પર ખાવા શોખીન છે. એટલે વેટ વિભાગની નજર હવે આ દિશા તરફ વળી છે. પાંચ વર્ષ અગાઉ વેટ વિભાગે એક સર્વે કરાવીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શહેરમાં ખાણી-પીણીની લારીઓ કેટલી છે. આ સર્વેમાં કુલ ૧૦ હજાર લારીઓનો ફિગર મળ્યો હતો. જ્યારે લેટેસ્ટ ફિગર અંદાજે ૨૦ હજાર પર પહોંચી ગયો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. હાલ વેટનો ટાર્ગેટ ૬૨૦૦ કરોડ છે. ગત વર્ષે વેટ વિભાગ ટાર્ગેટ કરતાં એક હજાર કરોડ પાછળ રહી ગયું હતું. એટલે આ વખતે આવકના નવા સ્ત્રોતની જરૂર પડી છે.

ડિપાર્ટમેન્ટ શું કરશે

બાતમીદારો અને ફિલ્ડ વર્કના આધારે વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) ડિપાર્ટમેન્ટને જાણવા મળ્યું છે કે શહેરના દરેક વિસ્તારમાં કેટલીક લારીઓ ખૂબ જ ફેમસ છે, જેમાં ટેક્સેબલ આઇટમ વહેંચવામાં આવે છે છતાં ત્યાંથી ટેક્સ તો આવતો જ નથી, પરંતુ અનેક જણાએ તો વેટ નંબર પણ લીધા નથી. પહેલાં અધિકારીઓ આવા લારીઓવાળાઓ પાસે વેટ નંબર લેવડાવશે અને પછી અચાનક જ એક દિવસ પસંદ કરીને જ્યારથી ધંધો શરૂ થાય એ ઘડીથી બંધ થાય ત્યાં સુધી લારી પર બેસીને વકરો તપાસશે. તેના આધારે રોજનું એવરેજ ટર્નઓવર નક્કી કરશે.

રોજના આધારે વાર્ષિ‌ક ટર્નઓવર જાણી શકાશે. અધિકારીઓ આ ફિગરના આધારે વેટ નક્કી કરશે. હાલ દિવસ અંગે નક્કી કરાયું નથી, પરંતુ મોટાભાગે શનિ કે રવિ હોય શકે છે. અધિકારીઓનું માનવું છે કે કેટલીક લારીઓ પર રોજનું ૩પથી પ૦ હજારનું ટર્નઓવર છે. જો કે, અધિકારીઓ કહે છે કે આખા કેસમાં મુશ્કેલી એ જ રહેશે કે લારીઓ પર સ્ટોકની ગણતરી કરવાની ભારે મુશ્કેલી રહે છે.

લોચામાં 'લોચો’ નીકળતા ૪૦ લાખ રિટર્ન

વેટ વિભાગે સુરતના જાણીતા ફરસાણના વેપારીને ત્યાં દરોડા પાડયા હતા અને લોચા પર ૧પ ટકા ટેક્સ ચઢાવી દઈને રૂપિયા ૪૦ લાખનો ચેક પણ પાર્ટી‍ પાસે લઈ લીધો હતો. તે સમયે અધિકારીઓની ગણતરી એવી હતી કે ફરસાણની આઇટમમાં જેની પર ટેક્સ માફી છે તે લિસ્ટમાં લોચાનો સમાવેશ નથી, પરંતુ આ કેસ જ્યારે ર્કોટમાં ગયો ત્યારે આ દલીલ ટકી શકી નથી. ડિપાર્ટમેન્ટે રૂપિયા ૪૦ લાખ પરત આપવા પડયા હતા. સામે પક્ષે વેપારીના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે લોચો એ એક રીતે કાચા ખમણ છે. જો ખમણ પર ટેક્સ ન હોય તો લોચા પર કેવી રીતે લાગી શકે. અધિકારીઓએ લોચા પર કરવામાં આવતા વેલ્યુએડિશન પરની પણ દલીલ કરી હતી, પરંતુ ફાવ્યા ન હતા. નોંધનીય છે કે કેટલીક જગ્યાએ હવે લોચા પર ચીઝ સહિ‌તની વસ્તુઓ નાંખવામાં આવે છે.

હોટલો બંધ થવા લાગી

સુરતમાં લારી પર ખાવાનું કલ્ચર કેટલું પ્રચલિત છે તેનું એક ઉદાહરણ ખાણી-પીણીના શહેરમાં બંધ થયેલી હોટલ અને રેસ્ટોરાંના આંક પરથી મળી રહે છે. સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલિયા કહે છે કે છેલ્લાં ચાર વર્ષમાં ૭૦ હોટલ-રેસ્ટોરાં બંધ થઈ ગયા, જેમાં મોટાભાગનું કારણ લારી કલ્ચરનો વ્યાપ જ છે, જેને કોઈ જ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેતો નથી જ્યારે હોટલોએ તો વેટ, સર્વિ‌સ ટેક્સ અને આવકવેરો પણ ભરવાનો હોય છે.

લારીઓ પર નજર કેમ

જાણીતી લારીઓ પાસે વેટ નંબર નથી
એક રૂપિયાનો ટેક્સ આવતો નથી
ટર્નઓવર સતત વધી રહ્યું છે
વેટને આવકના અન્ય સ્ત્રોતની જરૂર
મોંઘવારીના નામે લારીઓ પર ભાવો બમણા થઈ ગયા છે