ગટરનો ખાડો ખોદતાં બે દબાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલમાં તાલુકા પંચાયત દ્વારા જેસીબી દ્વારા ચાલી રહેલા ખોદકામ સમયે બનેલી ઘટનામાં બંનેનો બચાવ ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા ચાર ફિળયામાં ગટર લાઈન માટે જેસીબીથી ગટર ખોદવાનું કામ કરાઈ રહ્યું છે. સોમવારે આ કામ સમયે બે મજુર ૧૫ ફૂટ ઊંડા ખાડામાં પડતાં તેમના પર માટી ધસી પડી હતી અને બંને દટાઈ ગયા હતા. જો કે આજુબાજુના રહીશો દોડી આવી તરત જ કામગીરી આરંભી દેતા બંને મજુરોનો બચાવ થયો હતો. હાલમાં બંને મજુરો ઉચ્છલમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ અંગે ઘટનાસ્થળેથી મળતી વિગતો અનુસાર ઉચ્છલ તાલુકા મથકે આવેલા ફૂલવાડી પટેલ ફળિયા, નવા ફળિયા, હનુમાન ફળિયામાં તાલુકા પંચાયત દ્વારા ભૂગર્ભ ગટર લાઈન બનાવવાનું કામ સીટી કોન્ટ્રામોસ નાસિક નામની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં જેસીબી દ્વારા ખાડા ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ મશીન સાથે બીજા ચાર મજુરો પણ કામ કરી રહ્યાં છે. સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે જેસીબીથી ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે બે મજુર વેચિયાભાઈ કેવજીભાઈ ગામીત (ઉ.વ.૩૦) અને મહેશભાઈ માગતાભાઈ ગામીત (ઉ.વ. ૩૫) (બંને રહે. ફુલવાડી, ઉચ્છલ) ૧૫ ફૂટ ઊંડા ખાડામાં પાઇપ નાંખી રહ્યાં હતા. તે સમયે અચાનક પાઇપ ઉતારવા જતાં બંનેના પગ લપસી જતાં પાઇપ સાથે ખાડામાં પડી ગયાં હતા. આ બંને મજુરો ઉપર માટી ધસી જતાં વેચિયાભાઈ આખો દબાઈ ગયો હતો, અને મહેશભાઈ અડધો દબાઇ ગયો હતો. આ સમયે બૂમાબૂમ થઈ જતાં તરત જ ટોળું એકત્ર થઈ ગયું હતું અને લોકોએ તાત્કાલિક બચાવકામગીરી કરી બંને મજુરોને બહાર કાઢયાં હતા. આ ઘટનામાં બંને મજુરોને ઇજા થતાં નજીક આવેલા ઉચ્છલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બંને મજુરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ કેસમાં કોઇ દુર્ઘટના ન બનતાં ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.