વાઘેચામાં વિસર્જન સમયે ડૂબતા ૩ યુવકોને બચાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘેચા ગામે સુરક્ષા વ્યવસ્થાના અભાવે તાપી નદીના ઓવારા પર દુર્ઘટના થતાં રહી ગઈ ગણેશ ભક્તો બારડોલીના વાઘેચા ખાતે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કર્યુ હતું. વિસર્જન દરમિયાન વાઘેચા સ્થિત તંત્ર દ્વારા કે સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. સુરત શહેરને અડીને આવેલા ગણેશ મંડળના ત્રણ સભ્યો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ સમય સૂચકતા વાપરી અન્ય સભ્યોએ તેમને બહાર કાઢવાથી અઘટિત ઘટના બનતા અટકી હતી. અવ્યવસ્થા અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો પરંતુ રક્ષાત્મક પગલાં ન ભરતાં પરિસ્થિતિ જૈસે થે રહી હતી. ગત ૨૭મીના રોજ દિવ્ય ભાસ્કરમાં વાઘેચા ખાતે દર વર્ષે થતી ગણેશ વિસર્જનમાં થતી અવ્યવસ્થા અંગે માહિ‌તી સભર અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. પરંતુ સંબંધિત તંત્ર અને ટ્રસ્ટના કાર્યકરોએ કોઈપણ પ્રકારના સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા ન હતાં. ગત વર્ષે બે તરુણોના મોત નીપજ્યા હતાં અને તે સમયે ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ બનાવોથી માહિ‌તગાર હોવા છતાં યોગ્ય સુરક્ષાના પગલાં ભરવામાં આવ્યા ન હતાં. ગત વર્ષ જેવી જ ઘટનાનું શનિવારે પુન: પુનરાવર્તન થયું હતું. શનિવારના રોજ વિસર્જન દરમિયાન સુરત શહેરને અડીને આવેલા ગામમાંથી ગણેશ મંડળ દ્વારા વિસર્જન કરવા માટે વાઘેચા આવ્યા હતાં, જ્યાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી જાતે જ ગણેશ મંડળના સભ્યો શ્રીજીની મૂર્તિ‌ વિસર્જન કરવા જતાં ત્રણ ઈસમો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતાં. આ અંગેની જાણ નજીક ઉભેલા સભ્યોને થતાં તેમણે પાણીમાંથી ત્રણે ઈસમોને બહાર કાઢયા હતાં. સમયસૂચકતાના કારણે ત્રણેના જીવ બચી ગયાં. આ બનાવમાં તત્કાળ જ ગણેશ મંડળના મોટાભાગના સભ્યો ત્યાંથી રવાના થઈ ગયાં હતા, જેને પગલે ત્રણે યુવકોના નામ-ઠામ જાણી શકાયા નથી.