કાદી ફળિયામાં ફરી ખનન શરૂ : ભૂસ્તર વિભાગ વેકેશન મૂડમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી નદીના મુખપ્રદેશ પર ગેરકાયદે રીતે રેતીખનન ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. રાજકીય તત્વો દ્વારા રેતી માફિયાઓને અપાતી ઓથને કારણે આ ખનન ફરીથી બેરોકટોક આચરવામાં આવી રહ્યું છે. નદીના મુખપ્રદેશ સમુદ્ર અને તાપીના સંગમ સ્થાન પાસે કરાતા આ ગેરકાયદે રેતીખનનને રોકવા માટે ભૂસ્તર કચેરીનું નમાલું વલણ ફરીથી એક વખત છતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક માસ પહેલા આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી આ સ્થળે રેતીખનન શરૂ થઇ ચૂકયું છે.

કાદી ફળિયામાં પ્રતિ દીન ૧૦૦ કરતા વધારે ટ્રક રેતી કાઢવામાં આવે છે. તેવી જ રીતે મગદલ્લા બ્રિજની નીચે પણ પ્રતિ દીન પ૦૦ ટ્રક રેતી કાઢવામાં આવી રહી છે .અહીં તો ભૂસ્તર કચેરી માર ખાવાની બીકે ડરે છે. તેમાં મગદલ્લા બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે રેતીખનન મામલે પોલીસ પ્રોટેકશન ન હોવાનું બહાનું ભૂસ્તર કચેરી આગળ ધરી રહી છે.અંદાજે સાત થી આઠ માસ પહેલા મગદલ્લા બ્રિજની નીચે દરોડા કરનાર સ્કવોડને ફટકારવામાં આવી હતી. અલબત્ત આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ પ્રોટેકશન અને હુમલા કરનારા બેફામ તત્ત્વો સામે કાયદેસર કાર્યવાહી ન થવાના કારણે તેઓ વધારે બેફામ બની જાય છે. આ પ્રવૃતિને ડામવા કલેક્ટર, પોલીસ કમિશનરે ભુસ્તર વિભાગને સહયોગ પુરો પાડવો જરૂરી છે.

દિવાળીની રજાનો લાભ ઉઠાવાયો છે, પગલાં લેવાશે

ડી બી ગોલ્ડની ભૂસ્તરવિભાગ સાથે સીધી વાત
કાદી ફળિયામાં ફરીથી રેતીખનન શરૂ થઇ ચૂકયું છે, તમે શા માટે આ ખનન શરૂ થવા દીધું?
હાલમાં દિવાળીની રજા હોવાને કારણે તેનો લાભ અસામાજિક તત્વોએ ઉઠાવ્યો હોય શકે, જરૂર જણાશે ંતો ફરીથી દરોડા કાર્યવાહી કરાશે.

મગદલ્લા બ્રિજ નીચે શા માટે કાર્યવાહી થતી નથી?
અહીં અસામાજિક તત્વો હોવાને કારણે અમને પોલીસ પ્રોટેકશન સમયસર મળતું નથી, તેથી અહીં અમને દરોડા કાર્યવાહી કરવાનુ કપરૂ પડે છે.