‘વૈશ્વિક હરિફાઇમાં ટકવા કાપડઉદ્યોગે આધુનિક ટેક્નોલોજી અપનાવવી પડશે’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વૈશ્વિક હરિફાઇમાં ટકવા કાપડઉદ્યોગે આધુનિક ટેક્નોલોજી અપનાવવી પડશે’
સીટેક્ષ જેવા પ્રદર્શનોથી નવી ટેક્નોલોજીની જાણકારી મળી રહેશે : વસ્ત્રમંત્રી
એક્સપો-15 | વૈશ્વિક કક્ષાની બ્રાંડ ઉભી કરવા લઘુ ઉદ્યોગમંત્રી કલરાજ મિશ્રાની ટકોર
સુરત: ચેમ્બર દ્વારા સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત ટેક્સટાઇલ એક્સપો ૨૦૧૫માં ખાસ પધારેલા માઇક્રો મિડીયમ એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીના મંત્રી કલરાજ મિશ્રાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી અપનાવીને આગળ વધવા આહવાન કર્યું હતું. ટેક્સટાઇલ મંત્રી સંતોષ કુમાર ગંગવાર સહિત ટેક્સટાઇલ સેક્રેટરી એસ કે પાંડા સહિતના ટેક્સટાઇલ મંત્રાલયના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા.કલરાજ મિશ્રાએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજ ઉભી થાય એવા પ્રકારની ટેક્સટાઇલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે જણાવ્યું હતું.

જો ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ વૈશ્વિક હરિફાઇમાં ટકવુ હશે તો તેમણે ટેક્સટાઇલ મશીનરી અપગ્રેડ કરીને વૈશ્વિક કક્ષાની બ્રાન્ડ ઇમેજ ઉભી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટો ફાળો છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સરકાર ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે ખાસ ફંડ આપે છે. કેન્દ્રીય વસ્ત્રમંત્રી સંતોષ કુમાર ગંગવારે આ પ્રદર્શન ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે અદ્યતન ટેકનોલોજી વિશે જાણકારી આપનાર બની રહેશે એવી આશા વ્યક્ત કરી હતી. સ્કીમ ફોર ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક (એસઆઇટીપી)ની આવશ્યકતા ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી અટકેલા કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. દેશના વિકાસમાં ટેક્સટાઇલ ક્ષેત્રનો વિકાસ આવશ્યક છે. ચેમ્બર પ્રમુખ મહેન્દ્ર કતારગામવાળાએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે આ મહત્વનો દિવસ હોવાનું અને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો અવસર ગણાવ્યો હતો.
રાજ્યમાં SITP ઓપરેટ કરવામાં સુરત પ્રથમ ક્રમે
ગેટવે ખાતે આયોજીત કોન્કલેવમાં ટેક્સટાઇલ મંત્રીએ દેશમાં કુલ 70 એસઆઇટીપી મંજુર થયા છે તે પૈકી 13 પાર્ક ગુજરાતમાં હોવાનું જણાવ્યુ હતું. આ 13માંથી પણ આઠ પ્રોજેક્ટ ઓપરેટ થઇ રહ્યા છે અને તેમાંથી પાંચ સુરતમાં છે. આગામી દિવસોમાં જે પાંચ પાર્ક છે તેને પણ ઝડપથી શરૂ કરાય એવા પ્રયાસો થઇ રહ્યા છે. ઉપરાંત ટેક્સટાઇલ પાર્ક શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્તમ રૂ.40 કરોડ જેટલી સહાય આપવામાં આવે છે.
SITPમાં સુરતનું જ રૂ.2500 કરોડનું પ્રોડકશન
રાજ્યમાં આવેલા ટેક્સટાઇલ પાર્કોમાં 31મી માર્ચ 2015 સુધીમાં કુલ 3300 કરોડનું રેડીમેઇડ ગારમેન્ટ સહિત મેન મેઇડ ફાઇબર અને કોટન ફેબ્રીક્સનું ઉત્પાદન થયું છે. જે પૈકી સુરતમાં જ રૂ.2500 કરોડનું ઉત્પાદન થયું છે.

કામરેજમાં ટેક્સટાઇલ પાર્કનું ભૂમિ પુજન
વસ્ત્રમંત્રી સંતોષ કુમાર ગંગવારે કામરેજના નવી પારડી ખાતે સ્ટોન લીવીંગ સેરેમના ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનું ભૂમિ પુજન કર્યુ હતું. અંદાજે રૂ.404 કરોડના ખર્ચે સાકાર થનારા 48 એકરમાં પથરાયેલા આ પાર્કમાં 45 યુનિટો આવશે અને ત્રણ હજાર લોકોને રોજગારી મળશે.