મહુવામાં શંકાસ્પદ લેપ્ટોના ચાર કેસ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની શરૂઆત સાથે જ જીવલેણ રોગના ચિન્હો નજરે પડતાં આરોગ્ય વિભાગની પોલ ખુલ્લી પડી મહુવા તાલુકામાં ચાલુ સાલે ચોમાસાની શરૂઆત થતાં જ લેપ્ટોના નામે જીવલેણ રોગ માથુ ઉંચકવા લાગ્યો છે. ચાલુ સાલે આ માસમાં મહુવા તાલુકામાંથી ચાર ખેત મજૂરોમાં લેપ્ટો શંકાસ્પદ જણાતા તાલુકામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ જીવલેણ રોગ ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકામાં ધમાલ મચાવે તે પહેલા તંત્ર સત્વરે જાગી આ જીવલેણ રોગને નાથવા કામગીરી જોતરાઈ જાય તેવી તાલુકાની જનતાની પ્રબળ માંગ છે. આ વિસ્તારના શ્રજીવીઓને સતાવી રહેલા આ પ્રશ્ન અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ લેપ્ટો નામના જીવલેણ રોગે હાહાકાર મચાવી નાંખ્યો હતો. ગત વર્ષે મહુવા તાલુકામાં પ૭ જેટલા લેપ્ટોના શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. જેમાં કેટલાય ખેતમજૂરોએ પોતાના જીવ ગૂમાવ્યા હતાં જેના પરિણામે તાલુકાની ગરીબ જનતામાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. તંત્રની આ લોલમપોલ કામગીરીનું માઠું પરિણામ તાલુકાની નિર્દોષ જનતાએ ભોગવવું પડયું હતું. ગત વર્ષના લેપ્ટોના આંતક પરથી પણ તંત્ર કંઈ સબક ન શીખ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમકે ચાલુ સાલે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ લેપ્ટો એ ફરી માથુ ઉચકવાનું શરૂ કરી દીધુ છે. અને આરોગ્ય વિભાગની પોલ ખુલ્લી પાડી દીધી છે. મહુવા તાલુકામાં લેપ્ટોના ચાલુ સાલે ચાર શંકાસ્પદ કેસો બહાર આવતાં ફરી ખેત મજૂરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ગરીબ ખેતમજૂર દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ રોગે તાલુકામાં કાની, શેખપુર, વેલણપુર અને માછીસાદડા ગામે પગપેસારો કરતાં આ ગામના ખેતમજૂરો હાલ આ જીવલેણ બિમારીના નામથી જ કંપી ઉઠે છે. ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ આ ગંભીર રોગને નાથવાની સત્વરે કામગીરી હાથ ધરી ખેતમજરોને ભયમૂક્ત કરે એવી તાલુકાની જનતાની ઉગ્ર માગ છે. શિબિર યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું જ છે આ વર્ષે અમે તાલુકાના ૬ પીએચસી પર લેપ્ટોસ્પાયરોસિસ રોગ સામે જનજાગૃતિ શિબિરનું આયોજન કરી આરોગ્ય વિષયક શિક્ષણ આપ્યું હતું અને આ રોગને નાથવાની ડોક્સીન સાયક્લીન નામની દવાખાનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે.સી. સી. પટેલ, બીએચઓ, મહુવા લેપ્ટોમાં સપડાયેલા દર્દીઓ દક્ષાબહેન છીતુભાઈ ચૌધરી (૩૬) - શેખપુર, દાતરડી ફળિયુ રેવાબહેન શંકરભાઈ હળપતિ (પ૦) - કાની અર્જુન નરોત્તમભાઈ પટેલ (૪૦) - માછીસાદડા વિજય દિનેશ નાયકા (૧પ) - વેલપુર, તા. મહુવા