વસૂલાત પ૦૦૦ કરોડની સવલત બે કોડીની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં સેન્ટ્રલ સર્કલ અપીલના કમિશનરની પોસ્ટ જ ન હોવાતી સ્થિતિ સર્જા‍ઈ

આવકવેરા વિભાગમાં જ્યાં એક તરફ અધિકારીઓ દરોડા પાડીને વર્ષે દહાડે રૂપિયા પ૦૦૦ કરોડથી વધુ કાળું નાણું શોધી કાઢે છે, તો બીજીતરફ કરાદાતાઓએ આ કેસની પ્રોસિજરમાંથી બહાર નીકળવા વારંવાર અમદાવાદના ધક્કા ખાવા પડે છે. સુરતમાં સેન્ટ્રલ સર્કલ અપીલના કમિશનરની પોસ્ટ જ ન હોવાને લીધે આ સ્થિતિ છે. છેલ્લાં બે વર્ષથી અહીં કમિશનરની નિમણૂકની વાતો ચાલે છે પરંતું આઇટી ટાર્ગેટ સાથે રૂપિયા પ૦૦૦ કરોડ જેટલું રેવન્યુ કલેકશન ધરાવતા સુરતને સેન્ટ્રલ સર્કલ અપીલના કમિશનર અપાતા નથી. નોંધનીય છે કે સેન્ટ્રલ સર્કલના રેગ્યુલર કમિશનર પણ સુરતમાં નથી.

લાંબા સમયથી સુરતમાં સેન્ટ્રલ સર્કલના અપીલ કમિશનરની માગ છે. પરંતુ સેન્ટ્રલ ર્બોડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ધરાર અવગણના જ કરવામાં આવી છે. એકવાર તો સીબીડીટીના અધિકારીઓએ જ્યારે સુરતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે સેન્ટ્રલ સર્કલના કમિશનર નિમવાની પણ વાત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ધરાર અવગણના
૩૦૦૦ના ટાર્ગેટથી માગ છે
જ્યારે સુરત આઇટીનો ટાર્ગેટ રૂપિયા ૩૦૦૦ કરોડ હતો ત્યારથી સુરતમાં સેન્ટ્રલ સર્કલના કમિશનરની નિમણૂકની વાત છે. આજે ટાર્ગેટ પ૦૦૦ કરોડ પર પહોંચી ગયો છે છતાં નિમણૂકના ઠેકાણાં નથી.

સેન્ટ્રલ સર્કલનું કામ શું હોય છે
જે દરોડા પડે છે તેનો કેસ એપ્રાઇઝર રીપોર્ટ તૈયાર થઈ ગયા બાદ સેન્ટ્રલ સર્કલમાં જાય છે. આ દરમ્યાન ૯૦ જેટલાં દિવસનો ગાળો નીકળી જાય છે. ત્યારબાદ સેન્ટ્રલ સર્કલમાં એસેસમેન્ટ થાય છે. અધિકારીઓ ફરી એકવાર મૂલ્યાંકન કરે છે. અધિકારીઓ જે ક્વેરી ઊભી કરે એની સામે કરદાતાઓ અપીલમાં જતાં હોય છે.

૨૬૦ કિલોમીટર કેમ લંબાવવુ પડે છે
સુરતમાં સેન્ટ્રલ સર્કલના એડિશનલ કક્ષાના અધિકારી બેસે છે એટલે કમિશનર લેવલના કામ હોય તો અમદાવાદ સુધી જવુ જ પડે છે. આ ઉપરાંત અપીલ કમિશનર ન હોવાને લીધે પણ અનેક કામો અટવાય છે.

કરદાતાઓને અમદાવાદ કયા કામ માટે જવું પડે
દરોડામાં સીઝ ડોક્યુમેન્ટ માટે
સોના-ચાંદીને પરત મેળવવા માટે
જપ્ત કરેલી રોકડ મેળવવા માટે
ડોક્યુમેન્ટ મેળવવા

અપીલ કમિશનરની માગ પેન્ડિંગ
સુરતમાં સેન્ટ્રલ સર્કલના અપીલ કમિશનરની માગ છે. અનેક કામો એવા છે જેના માટે અમદાવાદ જવુ પડે છે. જો સુરતમાં પોસ્ટ ઊભી થાય તો રાહત થઈ જાય.’-ડેનિશ ચોકસી, સી.એ.