વેટ વિભાગમાં વાંક ધીમા સર્વરનો પણ દંડ વેપારીઓને

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છેલ્લાં બે માસથી સર્વર ધીમું રહેતા દક્ષિણ ગુજરાતના હજારો વેપારીઓ ડિફોલ્ટર ઘોષિત થયા વેટના ખરાબ સર્વરને કારણે સુરત, નવસારી, વલસાડ અને વાપીના હજારો વેપારીઓ વગર કારણે હેરાન થઇ રહ્યાં છે. તેમાં વિતેલા બે માસથી વેટનું સર્વર મોટે ભાગે બંધ રહે છે , ક્યાંતો ધીમે ચાલે છે, આવા કિસ્સાઓને કારણે નિયમિત વેટનું માસિક રીટર્ન ફાઇલ કરનારા વેપારીઓ ડિફોલ્ટર ઘોષિત થઇ રહ્યાં છે. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના હજારો વેપારીઓને બેંક ખાતા વગર કારણે ટાંચમાં મૂકી દેવાયા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. સુરત વેટ કચેરીનું સર્વર વિતેલા બે માસથી બંધ છે કે ધીમું ચાલે છે. તેથી દક્ષિણ ગુજરાતના સીતેર હજાર કરતા નાના મોટા વેપારી એકમોને આંતરરાજ્ય વેપાર કરવાની ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત આ વેપારીઓના બેંકના ખાતા પણ વગર કારણે ટાંચમાં મૂકી દેવાયા છે. સુરત વેટ બાર એસોસિયેશને આ મામલે વેટને કારણે દક્ષિણ ગુજરાતના આંતરરાજ્ય વ્યાપારને ગંભીર અસર થઇ રહી હોવાની કેફિયત વર્ણવી હતી. વેપારીઓના બેંકના ખાતા ટાંચમાં મૂકાયા : બે માસથી વેટનું ઓન લાઇન સર્વર ધીમું રહેતું હોવાને કારણે હજારો વેપારીઓ તેમના માસિક રીટર્ન વેટ કચેરીમાં નિયમીત ભરે છે. અલબત્ત ઓન લાઇન તેમનું ચલણ ન ભરાતું હોવાને કારણે તેમને ડિફોલ્ટર બતાવે છે. આવા કિસ્સામાં બેકના ખાતા સીઝ કરી દેવાય છે. આ રીતે વેપારીઓને એક પ્રકારનો માનસિક ત્રાસનો ભોગ બનવાનો વારો આવ્યો છે. વેપારીઓના કરોડોના રિફંડ અટવાયા : વેપારીઓ દ્વારા સુરતમાં પંદર ટકા વેટ ભરાતો હોય અને અન્ય રાજ્યોની સાથે તેના માલના વેચાણ દરમિયાન તે બે થી ૩ ટકા સીએસટી ચૂકવતો હોય છે. આવા કિસ્સામાં વેપારીને બાકીના બાર ટકા વેટનું રફિંડ વેટ કચેરીમાંથી મેળવવાનું હોય છે. જે વિતેલા બે માસથી મળી રહ્યું નથી. આમ હજારો વેપારીઓના રિફંડ પણ અટવાઇ ગયા છે. શું કહે છે વેટ બાર એસોસિયેશન : વેટ બાર એસોસિયેશને જણાવ્યુંકે આ મામલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અલબત્ત રાજ્ય સરકાર આ મામલે ગંભીર નથી. તેને કારણે હજાર કરોડના દક્ષિણ ગુજરાતના આંતરરાજ્ય વ્યાપારને ગંભીર અસર થઇ રહી છે. આંતરરાજ્ય વ્યાપારને ગંભીર અસર, રજુઆત કરવાની તૈયારી : વેપારીઓને તથા દક્ષિણ ગુજરાના હજારો ઔધ્યોગિક એકમોના હાલમાં ટાસ્ક કલીયર થઇ રહ્યાં નથી. એટલેકે ટાસ્ક કલીયર થાયતોજ વેપારીઓને સી-ફોર્મ મળે.આમ સી-ફોર્મ નહીં મળતાં આંતરરાજ્ય વ્યાપારને ગંભીર અસર થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સી-ફોર્મ હોયતોજ તમને આંતરરાજ્ય વ્યાપારની છુટ મળે છે. અલબત્ત હાલમાં આંતરરાજ્ય વ્યાપારને ગંભીર અસર થઇ છે. આ સમસ્યા બે માસ જુની છે. દક્ષિણ ગુજરાતના હજારો વેપારીઓ ધીમા સર્વરના કારણે વિના વાંકે દંડાઈ રહ્યા છે ત્યારે હવે વેપારીઓએ આ અંગે રજુઆત કરવાની તૈયારી કરી છે.