સાયણ સુગરના ચેરમેનને ટપલીદાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કૂડસદ સહકારી દૂધ મંડળીની સભામાં ફર્નિ‌ચરને નુક્સાન
ગેરવહીવટ બાબતે ચાલતા વિવાદમાં ડિરેક્ટરો-સભાસદો વચ્ચે ઉગ્ર ચર્ચા
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કાર્યરત કુડસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં લાંબા સમયથી થતા આવેલા ગેરવહીવટ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને પગલે ડિરેક્ટરોએ મંડળીના ગેરવહીવટની પોલ ખોલવા સાથે ખાતાકીય ફરિયાદ કરી હતી. ત્યારબાદ ગુરુવારની સવારે મળેલી મંડળીની સામાન્યસભામાં મંડળીના ગેરવહીવટ બાબતે ચાલતી ચર્ચા ઉગ્ર બની હતી. આથી સભાસદો અને ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમયે મંડળીની ઓફિસ પર આવી પહોંચેલા સાયણ સુગરના ચેરમેન કેતન પટેલ પર ટોળા પૈકી કેટલાકે તેમની સાથે ટપલીદાવ કર્યો હતો.
કુડસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પેટા નિયમ મુજબ સભાસદ બનાવવાને બદલે મંડળીના પ્રમુખ સન્મુખ રામભાઈ પટેલ તેમની સાથેના કેટલાક ડિરેક્ટરોની મીલીભગતમાં નિયમનો ભંગ કરી ખોટી રીતે સભાસદો બનાવવા, દૂધના ભાવમાં પણ વધારો ન આપવો અને પછાત વર્ગના સભાસદોને સબસીડીથી અપાતા પશુઓ અન્ય ઉજળીયાત સભાસદો અને ડિરેક્ટરોને આપવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે.
આ વિવાદમાં મંડળીના ડિરેક્ટર સતીષ નરોત્તમભાઈ પટેલ સહિ‌તના ડિરેક્ટરોને સભાસદોએ આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ પણ કરી છે. આવા ગેરવહીવટી કાર્યમાંથી વિવાદમાં આવેલી કુડસદ દૂધ મંડળીના પ્રમુખ અને તેના સાથી ડિરેક્ટરે ગત દિવસોની સભામાં પણ આ વિવાદ ચર્ચાતા જનરલ સભા પડતી મુકાઈ હતી. પાછળથી પ્રમુખ કેટલાક ડિરેક્ટરો સાથે મરજી મુજબના ઠરાવ કરી જનરલની મીનીટ્સ જિલ્લા રજિસ્ટ્રારને આપી હતી. આ રીતે દૂધ મંડળીના ડિરેક્ટરો અને સભાસદો સાથે છેતરપિંડી કરી ગેરવહીવટ કરી અન્યાય કરવાની વાતે ઊભા થયેલા વિવાદ વચ્ચે દૂધ મંડળીની કચેરી ખાતે સભા યોજાઇ હતી. સભામાં મંડળીના ગેરવહીવટના મુદ્દાઓ ચર્ચાતા ડિરેક્ટરોના બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.
વાતાવરણ ઉગ્ર બનતા ટોળામાંથી કેટલાકે મંડળીના કમ્પ્યૂટર અને ફર્નિ‌ચર તથા માજીપ્રમુખોના ફોટા અને ગાંધીજીની તસવીરને પણ નુકસાન પહોંચાડી હોવાની જાણ સાયણ સુગરના ચેરમેન કેતન પટેલને થઈ હતી. આથી તેઓ તાબડતોડ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ટોળામાના કેટલાકે આવેશમાં આવી જઈ કેતન પટેલની સાથે દુર્વવ્યવહાર કર્યો હતો. તેમજ તેમનો શર્ટ પકડી ટોળામાં ખેંચી જઈ શર્ટ ફાડી નાંખવા સાથે કેતન પટેલ સાથે ટપલીદાવ થતાં વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું.
જ્યારે કેતન પટેલને મારવાની વાતે બે જૂથ આમને સામને થતાં કુડસદ ગામમાં તંગદીલી ભર્યો માહોલ સર્જા‍યો હતો. ત્યારબાદ એક ટોળુ કેતન પટેલ સાથે કીમ આઉટ પોસ્ટ ખાતે ધસી ગયું હતું અને મંડળીના ફર્નિ‌ચર અને કોમ્પ્યૂટરને નુકસાન કરનાર લોકો અને કેતન પટેલ પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ કરી હતી.
અસામાજિકોને બોલાવી ધમાલ કરાવડાવી
દૂધ મંડળીના ગેરવહીવટ સામે મેદાને પડેલા સતીષ નરોત્તમ પટેલે (જેઓ સંબંધે સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન કેતન પટેલના મોટા ભાઈ છે) કહ્યું કે મંડળીના કેટલાક ડિરેક્ટરો અને તેના સગાભાઈ કેતન પટેલે ભેગા મળી પ્રિપ્લાનિંગ મુજબ કેટલાક અસામાજિક તત્વોને સામાન્ય સભામાં બોલાવી ધમાલ કરાવડાવી છે. મારોભાઈ કેતન અને ધમાલ કરનાર તત્ત્વો એ મંડળીના કોઈ પણ હોદ્દેદારો નથી. મંડળીના કરતૂતો પર પડદો પાડવા આ એક પ્રકારે તૂત ઊભુ કરવામાં આવ્યું છે.
મને જાનથી મારીનાં ખવાની ધમકી
કુડસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર કેતન પટેલ પર હુમલો થવાની બાબતે સાયણ સુગરના પ્રમુખ કેતન પટેલના કહેવા મુજબ તેઓ નિયમ મુજબ સવારે સાયણ સુગર ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ કુડસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સભા શરૂ થતાં અગમ્ય કારણસર સર્જા‍યેલા વિવાદમાં ત્યાં ઉપસ્થિત કુડસદ ગામનો યુવાન નિકુંજ મનહરભાઈ પટેલે આવેશમાં આવી મને ફોન પર ધમકી આપી હતી. તેમજ મને નાલયક ગાળો આપતાં હું તુરંત જ દૂધ મંડળીની કચેરી પર પહોંચ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત ટોળામાંથી નિકુંજ મનહર પટેલ અને તેની સાથેના અન્ય ઈસમોએ મારા પર હુમલો કરી મારી ફેટ પકડી માર શર્ટના બટન તોડી નાંખી શર્ટનું ખિસ્સુ ફાડીનાંખી મને આડકતરી રીતે નિશાનો બનાવ્યો હતો.
૯ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
કૂડસદ દૂધ મંડળી ખાતે થયેલી ધમાલમાં દૂધ મંડળીની કચેરીમાં રાખેલ કોમ્પ્યૂટર સેટ અને ફર્નિ‌ચરને નુકસાન કરવામાં મંડળીના કમિટી સભ્યો રાજુભાઈ બાલુભાઈ પટેલ અને જયંતીભાઈ પરભુભાઈ પટેલે સતીષ નરોત્તમભાઈ પટેલ, તેજશ નરોત્તમ પટેલ, દક્ષેસ સતીષ પટેલ, પ્રકાશ ડાહ્યા પટેલ, નિકુંજ મનહર પટેલ, ચેતન મહેન્દ્ર પટેલ, મનહર ઈચ્છુ પટેલ અને વિમલ સતીષ પટેલ સામે ફરિયાદ આપી છે. જ્યારે કેતન પટેલ પર હુમલો કરવાની બાબતે તેણે નિકુંજ મનહર પટેલ વિરુદ્ધ કીમ આઉટ પોસ્ટમાં ફરિયાદ આપી છે.