ભટારના એમ્બ્રોડરીના કારખાનામાં શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ૦૦ સાડી અને લેસનો જથ્થો તથા ફર્નિ‌ચરને નુકસાન

ભટારના સાંઈનાથ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના એમ્બ્રોડરીના કારખાનામાં વહેલી સવારે શોર્ટસર્કિટ થઈને આગ લાગી હતી આગને લીધે એમ્બોડરીના કારખાનાના કામદારો ડરના માર્યા બહાર ભાગી જતા આગ વકરી હતી અને સાડી તથા લેસનો જથ્થો લપેટમાં આવી ગયો હતો તથા લાકડાની ઓફિસની કેબિન પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભટાર સીએનજી પંપ પાસે સાંઈનાથ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ૧૧ નંબરના ખાતામાં હરીશ ચંપકભાઈ જરીવાલા એમ્બ્રોડરીનુ કારખાનુ ચલાવે છે. રવિવારના રોજ મળસ્કેના સુમારે પહેલા માળે એમ્બ્રોડરીનુ કારખાનુ ચાલુ હતુ દરમિયાન શોર્ટસર્કિટ થઈને આગ ભભૂકી ઉઠી હતી.

આગને લીધે કામદારો ડરના માર્યા નીચે ઉતરી આવ્યા હતાં અને આગ ધીરેધીરે વકરી ગઈ હતી. આગથી સાડીનો પ૦૦ નંગ અને લેસ નો૨૦૦ નંગ જથ્થો સળગી ગયો હતો તથા લાકડાની ઓફિસ સહીતનો સરસામાન બળી ગયો હતો. આગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર જી.જી.બારહટ લાશ્કરો સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઓફિસરના જણાવ્યા મુજબ શોર્ટસર્કિટથી લાગેલી આગને લીધે સાડી, લેસનો જથ્થો , કેબિન, વાયરિંગ ખાખ થઈ ગયું હતું બાજુના કારખાનામાં પણ આગ પ્રસરે તેમ હતી પરંતુ પાણીનો મારો ચલાવી આગને વધુ વકરતા અટકાવી હતી.