કડોદમાં ટ્રાફિકના ઉકેલ માટે બીજા દિવસેય ડિમોલિશન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કડોદમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મળેલી બેઠકમાં લાઈનદોરી સહિ‌ત દબાણો હટાવવાનો નિર્ણય કરાયો હતો
- નગરમાં આર. એન્ડ. બી. દ્વારા કાટમાળને હટાવી લેવા મિલકતધારકોને એક દિવસનો સમય અપાયો
બારડોલી તાલુકાના કડોદ ગામે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ડિમોલિશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મંગળવારના રોજ આર એન્ડ બી દ્વારા ડિમોલિશન કરાયું હતું. આ ડિમોલિશનનો કાટમાળ દૂર કરવા મિલકત ધારકોને એક દિવસનો અપાયો છે, જ્યારે ગુરુવારના રોજ ફરી આર એન્ડ બી દ્વારા ૪.૨પ મીટરની લાઈન દોરીમાં આવતાં તમામ દબાણને આર એન્ડ બી દ્વારા જેસીબીથી દૂર કરશે.
નવસારી- માંડવી સ્ટેટ હાઈવે કડોદ નગરની મધ્યેથી પસાર થાય છે. જેના કારણે આ માર્ગ પર ટ્રાફિકના ભારણને કારણે કડોદ નગરમાં અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જા‍ય છે. જે સમસ્યાને ધ્યાને લઈ ડિમોલિશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગત પ ફેબ્રુઆરીએ કોડદ નગરની ૨૪૨ જેટલી દબાણ ધરાવતી મિલકત પર આર એન્ડ બી વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
નગરમાં કેટલીક દબાણ મિલકતોનું ડિમોલિશન બીજા દિવસે પણ કરવામાં આવ્યું હતું. જેમાં દબાણવાળી મિલકતને વધુ નુકસાન ન પહોંચે તે સંદર્ભે સ્વૈચ્છિક ડિમોલિશન કર્યુ હતું. સ્વૈચ્છિક ડિમોલિશન કરતાં મિલકતધારકોને વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન પોતાની મિલકતનું દબાણ દૂર કરવું અને ડિમોલિશન કરતા નીકળેલો કાટમાળને દૂર કરવા માટે આર એન્ડ બી દ્વારા એક દિવસનો સમય આપ્યો છે. ગુરુવારને તા. ૭ ફેબ્રુઆરીના રોજ આર એન્ડ બી દ્વારા ફરી રોડની મધ્યેથી ૪.૨પ મીટરની લાઈનદોરીમાં આવતી દબાણની મિલકતને જાતે દૂર કરશે.
- કડોદમાં બીજા દિવસે પણ ચહલપહલ
કડોદ નગરમાં મંગળવારના રોજ આર એન્ડ બી દ્વારા દબાણમાં આવતી મિલકતને દૂર કરી હતી. જ્યારે બીજા દિવસે બુધવારના રોજ અમૂક બાકી રહી ગયેલી મિલકત અને સ્વૈચ્છિક ડિમોલિશન ચાલુ રહ્યું છે. બીજા દિવસે પણ ડિમોલિશન ચાલુ રહેતા કડોદ નગરમાં ભારે ચહલચલ જોવા મળી હતી.
- મુખ્ય રોડ પર કાટમાળાથી મુશ્કેલી
કડોદ નગરમાં મંગળવારના રોજ થયેલા ડિમોલિશનમાં નીકળેલો કાટમાળ મુખ્ય રોડ પર પડયો હતો, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ઘણી તકલીફનો સામનો કરવો પડયો હતો. કેટલીયવાર તો ટ્રાફિક જામના બનાવો પણ બન્યા હતાં. જો કે એક દિવસમાં મિલકતધારકોએ આ કાટમાળ ખસેડવાની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે.