સાયન્સ કોલેજોમાં જૂની પ્રવેશ સિસ્ટમથી હાલાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બી.કોમ., બી.બી.એ. અને બીસીએમાં નવી સિસ્ટમથી રાહત

શહેરની ત્રણ સાયન્સ કોલેજોમાં પ્રથમ વર્ષ માટે ફોર્મ વહેંચણીની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. બીજી તરફ બીકોમ,બીબીએ અને બીસીએમાં પણ પ્રવેશ ચાલુ છે. પરંતુ બંને પ્રવેશ કામગીરીમાં લાંબુ અંતર છે. એક તરફ સાયન્સના વિદ્યાર્થીઓએ દરેક કોલેજના પગથિયા ચઢીને પ્રવેશ ફોર્મ ભરવા પડી રહ્યા છે ત્યાં અન્ય પ્રવાહની કોલેજોમાં વિદ્યાર્થી ઇચ્છે એ કોલેજમાંથી ફોર્મ લઈને ભરી શકે છે કેમકે આ પ્રવાહમાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. આ પધ્ધતિ મુજબ પ્રવેશમાં પારદર્શિ‌તા રહેતી હોવાનો દાવો યુનિવર્સિ‌ટી કરે છે.

જ્યારે સાયન્સમાં કેન્દ્રીય પ્રવેશની સિસ્ટમ જ ન હોય કોલેજો પર આધાર રાખે છે કે તે કોને ક્યાં નિયમ મુજબ પ્રવેશ આપે છે. લાંબા સમયથી બીકોમ, બીબીએ,બીસીએ અને એમકોમ ઇન્ટિગ્રેટેડમાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ જ પ્રવેશ આપે છે. આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓ એક જ જગ્યાએથી ફોર્મ લઈને પોતાની મનગમતી કોલેજને પ્રેફરન્સ આપીને જે તે જગ્યાએ ફોર્મ સબમિટ કરાવતા હોય છે. મેરિટના આધારે પછી પ્રવેશ ફાળવવામાં આવે છે. જ્યારે સાયન્સમાં હજી પણ બાવા આદમના જમાનાની સિસ્ટમ પ્રમાણે જ પ્રવેશ ફાળવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સની ત્રણ કોલેજ છે.અઠવાગટે પર આવેલી પીટી સાયન્સ, રાંદેર રોડની નવયુગ અને ખોલવાડની ખોલવાડ સાયન્સ કોલેજ. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ જો વિદ્યાર્થીએ આ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો ત્રણેય કોલેજ પરથી ફોર્મ લાવવાના રહે છે અને ત્રણેય કોલેજ પર તે સબમિટ પણ કરાવવાના હોય છે. કેમકે દરેક કોલેજ પોતાની રીતે મેરિટ જાહેર કરે છે.

હવે વિદ્યાર્થી જો એક જ કોલેજમાં એ આશને સહારે ફોર્મ ભરે કે અહીં તો નંબર લાગી જ જશે તો એ વિદ્યાર્થી અટવાઈ પણ શકે છે કેમકે વિદ્યાર્થીની પસંદગીની કોલેજમાં નંબર નહીં લાગે તો તેણે બીજી કોલેજમાં પ્રવેશ ફોર્મ જ ન ભયુ' હોય તેનું આખુ વર્ષ જ દાવ પર લાગી શકે છે. એટલે હાઇએસ્ટ ટકાવારીવાળા વિદ્યાર્થીને બાદ કરતાં તો તમામે ત્રણેય કોલેજમા ચક્કર ફરજિયાત કાપવા પડે છે. શહેર ઉપરાંત સુરતની કોલેજોમાં જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આવે છે. આ વિદ્યાર્થીઓએ પણ ત્રણેય કોલેજનો રાઉન્ડ મારવો પડે છે.

રજૂઆત કરાશે

વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. કોલેજો બાકી સીટ કેવી રીતે ભરે છે એ પણ તપાસનો વિષય છે. કેન્દ્રીય પ્રવેશ હોય તો લાલીયાવાડીને વધુ અવકાશ રહેતો નથી. આ બાબતે રજૂઆત કરવામાં આવશે. - ભાવેશ રબારી, એનએસયુઆઈ અગ્રણી

નિયમ હોવો જોઇએ

જો બીજી ફેકલ્ટીમાં હોય તો સાયન્સમાં પણ ચોક્કસ હોવો જોઇએ. જો કે માટે યુનિ. એ પૂરતી તપાસ કરીને નિર્ણય લેવો જોઇએ. વિદ્યાર્થીઓના હિ‌તમાં આ નિર્ણય જરૂર ઇચ્છનીય છે. - મહેન્દ્ર ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય

બે વર્ષથી સાયન્સ કોલેજોમાં ધસારો

એક વર્ગ એમ કહે છે કે સાયન્સની ગ્રાન્ડેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કુલ બેઠક જ ૧પ૦૦ની નજીક છે. એટલે એમાં કેન્દ્રીય પ્રવેશ ન હોય તો ચાલે. જો કે તેની સામે એ દલીલ થઈ રહી છે કે જ્યાં બીબીએ અને બીસીએમાં ૨૦૦૦ની બેઠક સામે કેન્દ્રીય પ્રવેશ રખાતો હોય તો બીએસસીમાં કેમ નહીં. બીજી એક અગત્યની બાબત એ છે કે છેલ્લા બે વર્ષથી સાયન્સ કોલેજોમાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અગાઉ આ કોલેજોમાં બેઠક ખાલી રહેતી હતી, પરંતુ ડિપ્લોમાં અને અન્ય પ્રોફેશનલ્સ ર્કોસની સાથે હવે બીએસસીની પણ ડિમાન્ડ હોય રેન્કર વિદ્યાર્થી પણ આ તરફ આવી રહ્યા છે.