સુરતની હાઇફાઇ શાળાઓ પર RTEની લગામ કસવાની શરૂઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૩૦ માર્ચ સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો શાળાની માન્યતા રદ

એવી માન્યતા પ્રવર્તતી હતી કે ગુજરાત બોર્ડની શાળાઓ સિવાય બીજા બોર્ડની શાળાઓ પર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઇઓ)નું નિયંત્રણ નથી. મોટાભાગના ડીઇઓ પણ વાલી-વિદ્યાર્થીઓને ફરિયાદો સાંભળવા તૈયાર થતા ન હતા. જોકે, હવે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલને કારણે તે પરિસ્થિતિ બદલાશે. રાજ્ય સરકાર દ્વારા સીબીએસઇ, આઇસીએસઇ સહિ‌તના તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓને ૩૦ માર્ચ સુધી ફરજિયાત ડીઇઓ કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જો તેમ નહીં કરાય તો શાળાની માન્યતા રદ થશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચિમકી પણ અપાઇ છે.

શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલા આદેશમાં જણાવાયું છે કે ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨થી ગુજરાતમાં અમલમાં આવેલા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, માન્ય પ્રાથમિક શાળાઓ, સીબીએસઇ, આઇસીએઇ સહિ‌તની તમામ શાળાઓએ રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. પંચાયત વિસ્તારની શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શહેરી વિસ્તારમાં જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી સ્વએકરારનામું રજૂ કરી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ કાર્યવાહી ૩૦ માર્ચ સુધીમાં પૂરી કરી દેવાની રહેશે.

- અગાઉ શું સ્થિતિ હતી ?

અધર બોર્ડની શાળાઓએ અગાઉ શાળા શરૂ કરતી વખતે ડીઇઓ પાસેથી માત્ર એનઓસી લેવું પડતું હતું. તે પછી ધો. ૮ સુધી સ્થાનિક સ્તરે કોઇ નિયંત્રણ ન હતું. તે પછી પણ સીબીએસઇ કે આઈસીએસઇ બોર્ડ જ ઇન્સપેક્શન કે કાર્યવાહી કરી શકતું હતું. અધર બોર્ડની શાળાઓ અંગે કોઇ ફરિયાદ કે રજૂઆત ડીઇઓ સાંભળી શકતા ન હતા.

- હવે શું થશે ?

હવે તમામ બોર્ડની શાળાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી દર ત્રણ વર્ષે તે રીન્યૂ કરાવવું પડશે. ડીઇઓ તરફથી સમયાંતરે ઇન્સપેક્શન કરાશે. શાળાઓમાં સુવિધાઓ, ફી, વાલી મંડળ સહિ‌તની તમામ બાબતો અંગે ડીઇઓ હસ્તક્ષેપ કરી શકશે