• Gujarati News
  • Reversed Plot Women Corporate And Her Husband Bossiness

સુરત: રિઝર્વ્ડ પ્લોટ પર કબજો રાખવા મહિલા કોર્પોરેટર-પતિની દાદાગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ડભોલી રોડ પર આવેલા મહાપાલિકાના રિઝર્વેશન પ્લોટ પર ગેરકાયદે રીતે કબજો કરનારા પાસે કતારગામ ઝોને પ્લોટનો કબજો મેળવવા માટેના કાર્યવાહી શરૂ કરતા સ્થાનિક મહિલા કોર્પોરેટર અને તેના પતિએ સ્થળ પર અને ત્યાર બાદ કતારગામ ઝોન ઓફિસ પર પ્લોટનો કબજો ખાલી નહીં કરાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. તેમ છતાં ઝોને કાર્યવાહી કરતા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા હોબાળો મચી ગયો છે.

- રિઝર્વ્ડ પ્લોટ પર કબજો રાખવા મહિલા કોર્પોરેટર-પતિની દાદાગીરી
- પાલિકાના સ્ટાફને સહકાર આપવાનું દૂર, આત્મવિલોપનની ચિમકી!
- ડભોલી ગોપાલ દર્શન સોસા.માં સત્સંગના ઓથા હેઠળ પ્લોટ પર અડીંગો

કતારગામ ઝોન ટીપી સ્કીમ નંબર 35માં આવેલા ગોપાલ દર્શન સોસાયટીના ફાઇનલ પ્લોટ નંબર 129 યુટિલિટી સેન્ટર માટે રિઝર્વેશનમાં મુકયો છે. આ પ્લોટ પર એકાદ વર્ષ પહેલા વલ્લભ નામના શખ્સે ગેરકાયદે રીતે કબજો કરી દરરોજ પ્લોટમાં સત્સંગનો કાર્યક્રમ કરતો હતો. ત્યાર બાદ થોડા સમય પહેલા પ્લોટની ફરતે પતરાના શેડ બનાવી દેવામાં આવતા કતારગામ ઝોન અને કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના આધારે આજે કતારગામ ઝોને રિઝર્વેશનમાં મુકેલા પ્લોટનો કબજો ખાલી કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જે કામગીરી શરૂ કરતાની સાથે જ સ્થાનિક મહિલા કોર્પોરેટર મુકતા વરિયા અને તેના પતિ જીવરાજ વરિયા સ્થળ‌ પર દોડી જઇ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમ છતાં કામગીરી ચાલુ રાખતા બંને કતારગામ ઝોન ઓફિસ પર દોડી જઇ કામગીરી અટકાવવા માટે ઝોનના અધિકારીઓ પર દબાણ શરૂ કર્યું હતું. તેમ છતાં કામગીરી ચાલુ રાખીને પ્લોટનો કબજો મહાપાલિકાએ મેળવી લીધો છે.

રિઝર્વેશનમાં તાણી દીધેલી વસાહતને દૂર કરો
કતારગામ ઝોન ઓફિસ પર પહોંચેલા મહિલા કોર્પોરેટર અને જીવરાજ વરિયાની રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાની કામગીરી અટકાવવાના ધમપછાડા ફારસ સાબિત થતાં અધિકારીઓને જણાવ્યું હતું કે ડભોલી વિસ્તારમાં જ પૂજાપાર્ક અને ઘનશ્યામ નગર સોસાયટી રિઝર્વેશનના પ્લોટ પર બની છે ત્યારે તેને પહેલા તોડવામાં આવે ત્યાર બાદ આ પ્લોટનો કબજો લેવામાં આવે. અને તેમ નહીં કરવામાં આવે તો ઝોન ઓફિસ સામે ઉપવાસનું આંદોલન કરીશું અને તેમ છતાં કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ, તેવી ચિમકી વરિયાએ કતારગામ ઝોનના અધિકારીઓને આપી હતી.

કમિશનરે પણ મહિલા કોર્પોરેટરને ઝાટક્યા
કતારગામ ઝોનમાં બેઠક માટે આવેલા કમિશનર મિલિંદ તોરવણે સમક્ષ પર કોર્પોરેટર અને તેમના પતિએ રજૂઆત કરતા કમિશનરે સ્પષ્ટ પરખાવી દીધું હતું કે મેં જ કામગીરી કરવાની સૂચના આપી છે અને આવી બધી ફરિયાદ હોય તો મુખ્ય કચેરી ખાતે આવીને કરવાની તેમજ આ પ્લોટનો કબજો લેવાની કાર્યવાહી તો કરવામાં આ‌વશે જ. જેથી આવી ખોટી ભલામણ પણ નહીં કરવાની.

જમીનની 100 કરોડથી વધુની
ડભોલીમાં ગોપાલદર્શન સોસાયટીમાં જે રિઝર્વ્ડ પ્લોટ છે, અને સત્સંગના ઓથા હેઠળ તેની ઉપર કબજો જમાવી રાખવા માટેની પેરવી કરાતી હતી, તેની આસપાસમાં ચોરસમીટર દીઠ એકલાખ રૂપિયા જેટલો ભાવ બોલાય છે. યુટિલિટી સેન્ટર માટે રિઝર્વ્ડ આ પ્લોટના ક્ષેત્રફળને જોતા તેની બજાર કિંમત 100 કરોડથી પણ વધારે થાય તેવું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે.