જાહેરમાં ચીકન વેચતી હાટડીઓ બંધ કરાવવા માગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોનગઢ રોકડિયા હનુમાન મંદિર નજીક પણ ત્રણ જેટલી ચીકનની દુકાન ખુલી જતાં લોકોમાં આક્રોશ

સોનગઢથી ઉકાઈ જતા રસ્તા પર હાઈલેવલ કેનાલની આસપાસના વિસ્તારમાં ચીકન વેચતી દુકાનોની સંખ્યા વધી ગઈ છે. જેને પગલે જીવદયા પ્રેમીઓની લાગણી દૂભાતી હોવાની ફરિયાદ ઊભી થઈ છે. જાહેર રસ્તા પર જ અને માત્ર ૨૦૦ મીટરના અંતરે સોનગઢનું પ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિર પણ આવેલું હોય ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કોઈ પણ જાતની પરવાનગી વગર ધમધમતી થયેલી આ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે તેવી તિવ્ર માંગ ઉભી થઈ છે.

સોનગઢની આસપાસના ગામડાઓમાં જતા મોટા ભાગના રસ્તા પર પરવાનગી વિનાની ચીકનની દુકાન આડેધડ ખુલી રહી છે. આવી દુકાનોમાં રોગિષ્ઠ અને ગંધાતા બોઈલર મરઘા રાખવામાં આવે છે. આવા મરઘાઓ જાહેરમાં કાપવામાં આવે છે અને એના પીછા સહિ‌ત અન્ય ભાગ ખુલ્લામાં નાંખી દેવામાં આવે છે. આ સાથે દુકાનની બહાર પીંજરામાં આવા બોઈલર મરઘાઓ ખુલ્લામાં ગોઠવવામાં આવતા હોય રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે.

આવી ખુલ્લામાં ચાલતી દુકાનો સીંગપુરા રોડ, ઓટા રોડ તથા રાણીઆંબા રસ્તા પર અને ઉકાઈ રોડ પર સવિશેષ દેખા રહી છે. સોનગઢથી ઉકાઈ જતા રસ્તા પર કેનાલ તથા દવા ફેક્ટરીની આસપાસ પંદર દિવસમાં ત્રણ નવા ચીકન વેચવાવાળાના છાપરા પર પડી ગયા છે.આ દુકાનના માલિકો બહાર ખુલ્લામાં મરઘા વેચવા બેસે છે. આ સાથે તમામ ગંદકીનો નિકાલ પણ રસ્તા પર કરતાં હોય ઉકાઈ રસ્તેથી પસાર થતા રાહદારીઓને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લા કલેક્ટર સફાઈના મુદ્દે અત્યંત ધ્યાન આપી રહ્યાં છે. ત્યારે ઉકાઈ રોડ પર પરવાનગી વિના ચાલતી આ દુકાનો તાત્કાલિક બંધ કરાવે તથા લોકોની ધાર્મિ‌ક લાગણી સાથે ચેડા કરતા તત્ત્વોને પાઠ ભણાવે એવી માંગ ઊભી થઈ છે.

હનુમાન મંદિર નજીકની આ પ્રવૃત્તિ વખોડવાલાયક

ઉકાઈ રસ્તા પર સોનગઢ પંથકનું પ્રસિદ્ધ રોકડીયા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરે શનિવાર તથા તહેવારના દિવસે સેંકડો લોકો પગપાળા દાદાના દર્શન કરવા જાય છે. આ મંદિરથી આસરે ૨૦૦ મીટરના અંતરે આ રીતની ચીકનની ત્રણ દુકાન ખુલી ગઈ હોય. પગપાળા પસાર થતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાવાની સાથે અન્ય લોકોને પણ દુગ્ર્‍ાંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા આવી ગેરકાયદે દુકાનો બંધ નહીં કરાવવામાં આવે તો હિ‌ન્દુ સંગઠન મેદાનમાં આવવાની સંભાવના છે. એવું એક અગ્રણીએ નામ નહીં છાપવાની શરતે જણાવ્યું હતું.

રોગીષ્ઠ અને ગંદા મરઘાનું વેચાણ થાય છે

આ સોનગઢ ઉકાઈ રસ્તા પર ગુણસદા વાંકવેલ ભીમપુરા, વર્કશોપ ત્રણ રસ્તા વગેરે સ્થળોએ ચીકનની દુકાનો મોટા પ્રમાણમાં ખુલી ગઈ છે. આવી ખુલી રહેલી દુકાનોમાં મોટા ભાગે રોગીષ્ઠ અને ગંદા મરઘાનું વેચાણ કરવામાં આવે છે.