કતારગામમાં પૂર્વ કોર્પોરેટરનું બાંધકામ તોડાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટે ૩૦મી મે સુધીમાં પૂર્તતા કરવા આદેશ કરતાં કતારગામઝોનનો સળવળાટ

છેલ્લાં ત્રણ અઠવાડિયાથી લાગલગાટ ગેરકાયદે બાંધકામ તોડવા માટે મેદાને પડેલાં કતારગામ ઝોને બુધવારે હાઈર્કોટના આદેશને પગલે એક બાંધકામ ઉપર હથોડા ઝીંકવા પડયાં હતાં. લક્ષ્મીકાંત સોસાયટીમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના આ ગેરકાયદે બાંધકામના સંદર્ભમાં હાઈકોર્ટે ૩૦મી મે સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટેનું ફરમાન કર્યું હતું. એટલે, બુધવારે આ ૪હજાર ચોરસફૂટ જેટલું બાંધકામ તોડી પાડયું હતું.

લક્ષ્મીકાંત સોસાયટીમાં ૨૨૩ અને ૨૨૪ નંબરના મકાનમાં રહેતાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલે તેમના મકાનમાં માર્જિનની જગ્યામાં ચાર હજાર ચોરસફૂટ ઉપરાંત બાંધકામ કર્યું હતું. કોઈપણ પરવાનગી વગર કરેલાં આ બાંધકામ સામે ઘનશ્યામ પટેલ નામની વ્યક્તિએ વર્ષ ૨૦૧૨માં હાઈર્કોટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આ પ્રકરણમાં નવેમ્બર ૨૦૧૨માં શક્ય તેટલો ઝડપથી આ વિષયમાં નિર્ણય લેવા માટે મ્યુનિસિપલ કમિશનરને આદેશ કર્યો હતો. છતાં કોઈ નિર્ણય નહીં કરાતાં હાઈર્કોટમાં ર્કોટના અનાદર અંગે ફરી પિટીશન દાખલ કરાઈ હતી.

આ પિટીશનના સંદર્ભમાં જજ આર.પી. ઢોલરિયા, અને એમ.આર. શાહની બેંચે મ્યુનિસિપલ કમિશનરને ૧૦હજાર રૂપિયાનો દંડ ફટકારવાની સાથે ૩૦મી મે સુધીમાં ર્કોટસમક્ષ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટેનું ફરમાન કર્યું હતું. આનેલીધે કતારગામ ઝોનને સળવળાટ કરવા માટેની ફરજ પડી હતી. બુધવારે કતારગામ ઝોનના સ્ટાફે લક્ષ્મીકાંત સોસાયટીમાં પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ગેરકાયદે બાંધકામની ઉપર હથોડા ઝીંકીને તેનો ભૂક્કો બોલાવી દીધો હતો.

કોર્ટે મ્યુનિ. કમિ.ને ૧૦ હજાર દંડ
હાઈકોર્ટે ૩૦મી સુધી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની સાથે એવું પણ ફરમાન કર્યું હતું કે, આ પ્રકરણમાં પાલિકાની બીનશરતી માફી સ્વીકારાઈ છે પરંતુ પ્રતિવાદી(મ્યુનિસિપલ કમિશનર)એ ૧૦હજાર રૂપિયા ર્કોટમાં ભરવા, તે પણ પાલિકાની તિજોરીમાંથી નહીં પરંતુ વ્યક્તિગત રીતે ભરવા.