• Gujarati News
  • Post A Dispute With The Logo Of Chambers Put It On Facebook

ઉપપ્રમુખપદના દાવેદારે ચેમ્બરના લોગો સાથેની પોસ્ટ ફેસબુક પર મુકતા વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપપ્રમુખપદના દાવેદારે ચેમ્બરના લોગો સાથેની પોસ્ટ ફેસબુક પર મુકતા વિવાદ
દેવેશ પટેલે BS અગ્રવાલની ઉમેદવારી રદ્ કરવા માગ કરી

સુરત: મહાજનોની સંસ્થા ગણાતી ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ પદની ચૂંટણીમાં નવો વિવાદ ઉભો થયો છે. ઉપ પ્રમુખ પદના દાવેદારે ચેમ્બરના લોગોનો ઉપયોગ કરીને ફેસબુક પર પોસ્ટ મુકતા તેનો વિરોધ કરાયો છે. તેમની ઉમેદવારી રદ્ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.ચેમ્બરના ઉપપ્રમુખ પદની રેસમાં હવે ૧૪ પૈકી ૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ નવ પૈકીના એક એવા બી એસ અગ્રવાલે ચેમ્બરના લોગોનો ઉપયોગ કરીને ફેસબુક ઉપર પોસ્ટ મુકી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ પદના ઉમેદવારના આ કૃત્ય સામે ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન દેવેશ પટેલે વિરોધ કરીને ચેમ્બર પ્રમુખ મહેન્દ્ર કતારગામવાળા અને ચૂંટણી કમિટીના ચેરમેન કમલેશ યાજ્ઞિકને પત્ર લખીને સીધો આક્ષેપ કર્યો છે કે, આ પ્રમાણે ચેમ્બરના લોગોનો ઉપયોગ કરી શકાય નહીં. ચેમ્બરે જાણે બી એસ અગ્રવાલને ઉપ પ્રમુખ પદ પર બેસારવા માટે મેન્ડેટ આપ્યો હોય એવા પ્રકારનું આ કૃત્ય છે અને તેમની ઉમેદવારી રદ કરવામાં આવવી જોઇએ. દેવેશ પટેલના પત્ર બાદ તુરંત બી એસ અગ્રવાલે પોતાની વોલ પરથી આ લોગો સાથેની પોસ્ટ ડીલીટ કરી દીધી છે.
ચેમ્બરના હોદેદારોએ દ્વીમુખી પ્રતિભાની સાબિતી આપી
આ પ્રકારે ચેમ્બર જેવી પ્રતિષ્ઠીત સંસ્થાના ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર ફેસબુકનો ઉપયોગ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ ઉભા કરે તે યોગ્ય નથી. આ‌ ભૂલની સામે ચૂંટણી કમિટીએ બી એસ અગ્રવાલની ઉમેદવારી રદ્ કરવી જોઇએ . જોકે, ચેમ્બરના હોદેદારોએ હજુ સુધી કોઇ પગલા ભર્યા નથી અને તેમને માત્ર પોસ્ટ દૂર કરવાની સૂચના આપીને પોતાની દ્વી મુખી પ્રતિભાનો પરચો આપ્યો છે. આ મામલે હું ચેમ્બરને લીગલ નોટીસ આપવા પણ વિચારૂ છું. > દેવેશ પટેલ, ચેરમેન, એક્ઝિક્યુટિવ કમિટી
આ ઇરાદા પૂર્વકનું કૃત્ય નથી
બી એસ અગ્રવાલની આ ટેકનીકલ ભૂલ છે અને અમને તેની જાણ થતા તેમને તુરંત લોગો દૂર કરવાની સૂચના અપાઈ હતી. નાનો ઇસ્યુ છે અને ઇરાદાપુર્વક કરેલું કૃત્ય નથી. > સી એસ જરીવાલા, ઉપપ્રમુખ, ચેમ્બર