• Gujarati News
  • Police Officers To Stop The Application Agents 119 Passport Office

પાસપોર્ટ કચેરીના એજન્ટોને રોકવા અધિકારીએ પોલીસને અરજી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાસપોર્ટ કચેરીના એજન્ટોને રોકવા અધિકારીએ પોલીસને અરજી કરી
1500ની જગ્યાએ 10 થી 15 હજાર ખંખેરી લેવાય છે
ઉધનાની પાસપોર્ટ કચેરીમાં ટાઉટની ઉઘાડી લૂંટની વારંવાર ફરિયાદ બાદ રજૂઆત

સુરત: પાસપોર્ટ મેળવવા શહેરીજનો તથા દક્ષિણ ગુજરાતના અરજદારો પાસેથી 10 ગણી રકમ વસૂલી ખુલ્લેઆમ લૂંટ ચલાવતા એજન્ટોને પ્રોત્સાહન ન આપવા રિજિયોનલ પાસપોર્ટ અધિકારી કુમાર નિત્યાનંદે અનુરોધ કર્યો છે. આવા એજન્ટો સામે પાસપોર્ટ અધિકારીએ ઉમરા પોલીસ તથા કમિશનર કચેરીમાં એક અરજી પણ આપી છે. સામાન્ય રીતે પાસપોર્ટ કઢાવવા માટે રૂ.1500 સુધીનો ખર્ચ આવે છે પરંતુ આ એજન્ટો અરજદારો પાસેથી રૂ. 10થી 15 હજાર સુધીની રકમ વસૂલી રહ્યા છે.

ઉધનાની પાસપોર્ટ કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી એજન્ટો દ્વારા અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં એજન્ટો દ્વારા અરજદારો પાસેથી ઓનલાઇન અરજી કરવાના બહાને રૂ 10 થી 15 હજાર મસમોટી રકમ વસૂલાય છે. ત્યારબાદ પણ અરજદારોને થોડા દિવસોમાં જ તમારો પાસપોર્ટ ઇશ્યુ થઇ જશે તેમ કહીને તેઓને રવાના કરી દેતા હોય છે.જોકે થોડા દિવસો બાદ તેઓના ડોકયુમેન્ટ કોઇ બીજા અધિકારી પાસે ગયા હોવાનું જણાવી ફરી ત્રણથી ચાર હજાર જેટલી રકમ વસૂલવામાં આવે છે.

આ રીતની ઉઘાડી લૂંટની ફરિયાદ મળતા જ પાસપોર્ટ અધિકારી દ્વારા આ અંગે પોલીસ કમિશ્નર તેમજ ઉમરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામા આવી છે. જેમાં તેઓએ આવા એજન્ટોને પકડી તેઓ વિરુધ્ધ કડક પગલાં ભરવા જણાવ્યું છે. જો કોઇ એજન્ટ પાસપોર્ટ કાઢી આપવાના નામે ઉઘાડી લૂંટ ચલાવતો હોય તો તાત્કાલિક પાસપોર્ટ વિભાગમાં અથવા તો નજીકના પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું છે.
ઓનલાઇનના ફોર્મના નામે લૂંટ
અરજદારોએ પાસપોર્ટ બનાવવા રૂ 1500 ખર્ચવા પડતા હોય છે. જોકે કેટલાક અરજદારોને ઓનલાઇન ફોર્મ ભરવા અંગે કોઇ જાણકારી હોતી નથી. જેથી તેઓ એજન્ટોનો સંપર્ક કરે છે. જયા તેઓ પાસેથી પાસપોર્ટ માટે રૂ 1500ના બદલે રૂ 10 થી 15 હજાર જેટલી મસમોટી રકમ વસૂલી લેવાય છે.
કમિશનરને અરજી કરી છે
અમે એજન્ટો વિરુધ્ધ કડક પગલાં ભરાય તે માટે પોલીસ કમિશ્નર તેમજ ઉમરા પોલીસને લેખિતમાં અરજી પણ કરી છે. કોઇ એજન્ટ આવી લૂંટ ચલાવે તો પાસપોર્ટ વિભાગમાં જાણ કરી શકાય. > કુમાર નિત્યાનંદ, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર