કોમ્બિંગમાં પ૦ ટકા અધિકારી ગેરહાજર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોરી અને લૂંટના ગુના અટકાવવા માટે સ્કીમ તૈયાર કરી પોલીસ સ્ટેશનમાં મોકલી હોવા છતાં અધિકારીઓ રાત્રિ દરમિયાન ગેરહાજર રહ્યાં
-સુરત જિલ્લાની પોલીસની કોમ્બિંગ નાઈટમાં ગેરહાજર રહેતા અધિકારીઓ બાબતે પોલીસવડાએ નોંધ લીધી


ભાસ્કર ન્યૂઝ. બારડોલી
સુરત જિલ્લાના જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં સ્કીમ ગોઠવી છે. તે અનુસાર પોલીસવડા અને ક્રાઈમ બ્રાંચે લૂંટ ચોરીના ગુના અટકાવવા શુક્રવારની રાત્રિ દરમિયાન કોમ્બિંગ નાઈટનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાના અડધા ઉપર અધિકારીઓ ગેરહાજર રહેતા જિલ્લા પોલીસવડાએ આ બાબતની નોંધ લેતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરત જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગની સ્કીમ બનાવી ગુના અટકાવવા માટે પોલીસને કોમ્બિંગ નાઈટ અને નાઈટ પેટ્રોલિંગની સૂચના આપતા રહે, પણ જિલ્લાના પોલીસ અધિકારીઓ જિલ્લા પોલીસવડાની સૂચનાને પણ દરકાર કરતા ન હોવાની ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે.

હાલમાં સમગ્ર સુરત જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનામાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. એકસાથે ત્રણથી ચાર વાહનોની ચોરી થઈ જાય છે. ઉપરાંત ઘરફોડ ચોરીના ગુના પણ વધી રહ્યાં છે. લૂંટના ગુનાઓ પણ બની રહ્યાં છે. શુક્રવારના રોજ જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ તેમજ ક્રાઈમ બ્રાંચના અધિકારીએ ભેગા મળીને વાહન ચોરી અને ધાડ-લૂંટના ગુના અટકાવવા માટે એક સ્કીમ તૈયાર કરી હતી.

તૈયાર કરેલી યોજના મુજબ જિલ્લાના અધિકારી અને પોલીસ સ્ટાફને શુક્રવારની રાત્રિ દરમિયાન કોમ્બિંગ નાઈટ કરવાની સૂચના આપી હતી. યોજના મુજબ જિલ્લા એલસીબીની ટીમ પોલીસ અધિકારી સાથે રાત્રિ દરમિયાન કોમ્બિંગ નાઈટમાં નીકળી, ત્યારે જાણવા મળ્યું હતું કે સુરત જિલ્લાના અડધા ઉપરના પોલીસ અધિકારીઓ કોમ્બિંગ નાઈટમાં પેટ્રોલિંગમાં યોજના મુજબ નીકળ્યા ન હતાં. આ અંગે જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળને જાણ થતાં તેમણે તાત્કાલિક આવા અધિકારીઓને લોકેશન પૂછી તેમની ગેરહાજરી મૂકી હતી, જેને પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો

આ વિસ્તારના પોલીસ અધિકારીઓ ગેરહાજર

શુક્રવારની રાત્રિ દરમિયાન ધાડ, લૂટ અને ચોરીના ગુના અટકાવવા સ્કીમ તૈયાર કરી દરેક પોલીસ સ્ટેશનના કયા અધિકારીએ કોમ્બિંગ નાઈટ કરવી તે મુજબ સૂચના અફાઈ હતી, છતાં બારડોલી, ઓલપાડ, કામરેજ અને ઉંમરપાડા, જિલ્લા ટ્રાફિક સહિ‌તના પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાત્રિ દરમિયાન કોમ્બિંગ નાઈટમાં નીકળ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

નેટનો ઉપયોગ ઠપ..?

કોમ્બિંગમાં ગેરહાજર રહેવા બાબતે કેટલાક અધિકારીઓના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઈમેલ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં મેસેજ અપાયો હતો અને યોજના મુજબ મેસેજ કરાયો હતો, પરંતુ ચોંકાવનારી હકીકત તો એ છે કે પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર ઈમેલ એકાઉન્ટ ઓપરેટ કરાતા નથી અને જેને લઈ કેટલાક અધિકારીઓ સુધી હકીકત પહોંચી ન હતી.

વાયરલેસ મેસેજ પણ...

શનિવારે ફરી જિલ્લા પોલીસવડા અને ક્રાઈમ બ્રાંચની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને નાઈટ પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે વાયરલેસ મેસેજથી સૂચના અપાય છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જેતે પોલીસ સ્ટેશનના અધિકારીઓને ઈન્ટરનેટ સુવિધા ખોટકાઇ હોય તો તેમણે અન્ય જગ્યાએથી યોજનાની જાણકારી મેળવી નાઈટ પેટ્રોલિંગ કરવું.