સુરત આરટીઓમાં ટાઉટોને રોકવા પોલીસ બોલાવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કડક વલણ: સહાયક આરટીઓની કચેરીમાં નોકરી કરતાં છ ટાઉટોને પણ કાઢી નાંખવા આરટીઓનો આદેશ

આરટીઓમાં ટાઉટોને રોકવા માટે શુક્રવારનાં રોજ સવારનાં પોલીસ બોલાવી પડી હતી. તેમાં અઠવા પોલીસ સ્ટાફે આઇડી સાથે રાખનાર લોકોને જ પ્રવેશવા દીધા હતાં. આ માટે અઠવા પીઆઇ સહિ‌ત કાફલો સવારના અગિયારથી પોણા એક વાગ્યા સુધી ખડકાઇ ગયો હતો. આરટીઓમાં કાર્યરત અંદાજે સો કરતાં વધારે ટાઉટોની કામગીરી બંધ કરી દેવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે લાયસન્સ, રજિસ્ટ્રેશન, ટેમ્પરરી રજિસ્ટ્રેશન, લાયસન્સ સુધારણા જેવી કામગીરીમાં ટાઉટો દ્વારા કચેરીમાં ઘૂસીને કમ્પ્યૂટર કે પછી જે તે સરકારી દસ્તાવેજો સાથે ચેડાં કરવાની બની રહેલી વારંવાર ઘટના બાદ આરટીઓએ અઠવા પોલીસની મદદ લીધી હતી.

- પહેલા અધિકારીઓ તેમના અંગત ટાઉટો દૂર

ટાઉટોને આરટીઓમાં પ્રવેશવા દેવા પર પાબંદી મૂકી દેવામાં આવતાં આ કિસ્સામાં અકળાયેલા ટાઉટોએ બૂમો પાડતાં જણાવ્યું કે આરટીઓ અધિકારીઓ અને ઇન્સપેક્ટરો પેહલા તેમના ફોલ્ડરિયાઓ કચેરીમાંથી દૂર કરે પછી અમને સલાહ આપવામાં આવે. તેમાં કેટલાક અધિકારીઓની કેબિનમાં છ જેટલા ટાઉટો હાલમાં સક્રિય હોવાનું કહેવાય છે. સરકારી કામગીરીમાં મદદ કરવાને બહાને આ ફોલ્ડરિયાઓ કામ કરી રહ્યાં છે. આ કિસ્સામાં ટાઉટો દ્વારા બૂમબરાડા પાડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં ઊંડી તપાસથી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

- આરટીઓની બહાર ટાઉટોએ કર્યો હંગામો

આરટીઓ બી.એમ.પ્રજાપતિ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવતાં ટાઉટો દ્વારા દરવાજા પર ભારે ઉહાપો કરવામાં આવ્યા હતો. તેમાં પોલીસે ટાઉટોને વિખેરી નાંખ્યા હતાં. ટાઉટો દ્વારા આ મામલે વાહનવ્યવહાર મંત્રી નિતીન પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિક ભાજપી નેતાઓને પણ રજૂઆત કરાઇ હોવાની વિગત જાણવા મળી છે. તેમાં સંખ્યાબંધ પરિવારોની રોજી આરટીઓની કામગીરી પર નભતી હોવાને કારણે આ મામલે માનવતાભર્યો અભિગમ અપનાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી છે.

- સહાયક આરટીઓને ફોલ્ડરિયાઓ દૂર કરવા માટે આદેશ

આરટીઓ બી.એમ.પ્રજાપતિએ જણાવ્યુંકે તેઓ કોઇ પણ પ્રકારના ટાઉટોને કચેરીમાં પ્રવેશવા દેશે નહીં. તેમણે સહાયક આરટીઓને પણ તેમના ફોલ્ડરિયાઓને બંધ કરી દેવા માટે આદેશ આપ્યો છે. આ માટે તેમણે ઉચ્ચ સત્તાધીશોને પણ ફરિયાદ કરી છે.