સુરત સ્ટેશનના શણગારથી પારેવડાંના ટપોટપ મોત!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્ટેશનના શણગારે ૧૦૦ પારેવડાંનો જીવ લીધો
- અરેરાટી: રિનોવેશન બાદ રંગીન કાચ-જાળી વચ્ચે ફસાઈ જતા કબૂતરો મોતને ભેટી રહ્યાં છે
રેલવે સ્ટેશન પર હાલમાં રૂ.૨ કરોડના ખર્ચે રંગરોગાન કરી મકાનને નવા વાઘા પેહરાવી દેવાયા છે, જેનું કારણ એ છે કે ૯ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન રેલવેના જીએમ મહેશકુમાર અહીં ઇન્સ્પેક્શન કરશે. જોકે, સ્ટેશનની આ કાયાપલટ બારીઓમાં વસવાટ કરતાં ૧ હજાર કરતાં વધારે કબૂતરો માટે જોખમી સાબિત થઈ છે. ૧ માસમાં જ અહીં ૧૦૦ કરતાં વધારે પારેવડાં ઉપરાછાપરી મોતને ભેટ્યાં છે.
- શું કહે છે કૂલીઓ?
નિર્દોષ કબૂતરોના મોત બાબતે કૂલીઓના આગેવાન રઘુભાઈએ જણાવ્યું કે પ્રથમ દિવસે પાંચ કબૂતરોનાં મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ રોજ ૩થી ૪ કબૂતરો તરફડતા અહીં ગેપમાં જ ફસાઇને મૃત્યુ પામે છે. તેમણે આ મામલે રેલવે અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું છે.
- ટપોટપ મોત કેવી રીતે થઈ રહ્યાં છે?
રેલવે સ્ટેશનની બારીઓ પર કલરિંગ કાચ નાંખવામાં આવ્યા છે, જેની પાછળ સિમેન્ટની જાળી છે. જાળી અને કલરિંગ કાચ વચ્ચેનું અંતર માંડ ૪ ઇંચ છે. હવે આ જાળીની ધાર પર કબૂતરો વર્ષોથી રહેવા ટેવાયેલા છે. હાલમાં લગાવાયેલા નવા કાચથી કબૂતરો ટેવાયેલા ન હોવાથી જેવા ગેપમાં પ્રવેશે છે કે તેઓ પાંખ ફફડાવી શકતાં નથી અને જોતજોતામાં બીજા કે ત્રીજા માળ પરથી નીચે પટકાય છે. પાંખ ન ફેલાવી શકવાના ગભરાટમાં જ તેમનું મોત નીપજે છે. છેલ્લા એક માસમાં જ સ્થાનિક કૂલીઓ આવા ૧૦૦ કરતાં વધારે કબૂતરોના મૃતદેહો બહાર કાઢી ચૂક્યા છે. વળી, આ સિલસિલો હજુ પણ જારી જ છે.
- ઉનાળામાં સ્થિતિ વધુ ગંભીર બનશે
હાલમાં શિયાળો હોવાથી તાપમાનનો પારો કાબૂમાં છે. આગામી દિવસોમાં ઉનાળાની શરૂઆત સાથે જ જો કોઈ ઉકેલ લાવવામાં ન આવે તો ૩પ-૩૭ ડિગ્રી તાપમાનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.
- આનંદ પાઠક, પર્યાવરણ વિશેષજ્ઞ
- શું કહે છે રેલવે મેનેજર?
આ મામલો અમારા ધ્યાન પર આવ્યો છે. અમે કબૂતરોને બચાવવા માટે શક્ય એટલી વહેલી કાર્યવાહી કરીશું.