ફોસ્ટાના રાહત વિવાદમાં ટ્રાફિક, ઉઠમણા જેવા પ્રશ્નો લટકી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિવાદ શમાવવામાં અગ્રણીઓને રસ નથી

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ને રાજકારણનો અડ્ડો બનાવનારા પ્રમુખ સંજય જગનાની અને ધનપત જૈનના ખટરાગને કારણે શહેરની આ સૌથી મોટી વેપારી સંસ્થા સાથે સંકળાયેલા વેપારીઓને બિચારા થઇને ફરવાનો વખત આવ્યો છે. આટલા મોટા સંગઠનનું કોઇ ધણીધોરી ન હોય તેમ અંદરો અંદરની લડાઇ અને ટાંટીયાખેંચના કારણે ટેક્સટાઇલના વેપારીઓની રોજની સમસ્યાના નિરાકરણની દિશામાં કોઇ કામગીરી થતી નથી. વેપારી અગ્રણીઓને પણ આ બધી બાબતોમાં કોઇ રસ ન હોય એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. સામાન્ય વેપારીઓની એવી લાગણી છે કે, ફોસ્ટાના આગેવાનોએ અંગત મતભેદો ભુલી વેપારી હિ‌તને પ્રાધાન્ય આપવુ જોઇએ.

ઉત્તરાખંડ હોનારત વખતે ફોસ્ટાએ ઉઘરાવેલી રાહત સામગ્રી અસરગ્રસ્તો સુધી મોકલવામાં વિલંબ બાદ છેલ્લા ત્રણ મહિ‌નાથી પ્રમુખ સંજય જગનાની સામે ધનપત જૈને ખુલ્લો મોરચો માંડયો છે. સુરત પોલીસ બાદ હાઇર્કોટ સુધી પહોંચેલા આ પ્રકરણના કારણે સુરતના ટેક્સટાઇલના વેપારીઓની રોજીંદી સમસ્યાઓ અને તેને લગતા પ્રશ્નોના નિરાકરણની વાતો સાઈડટ્રેક થઈ ગઇ છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા તાજેતરમાં પ્રતિ પાર્સલ રૂપિયા ત્રણ સો જેટલો ચાર્જ વધારી દેવાયો હોવા છતા ટ્રાન્સપોર્ટરો સાથે કોઇ વેપારી અગ્રણી વાટાઘાટો કરવા તૈયાર નથી. આ કારણે સામાન્ય વેપારીઓને વધારાનું આર્થિ‌ક ભારણ આવી રહ્યુ છે.

આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટમાં લેભાગુ વેપારીઓ દ્વારા થતા ઉઠમણાંને કારણે વીવર્સ, દુકાનદારો, એમ્બ્રોયડરી અને ડાઇંગ મિલ સંચાલકોના નાણાં મોટાપાયે ફસાઇ રહ્યા છે. આ પ્રશ્ન ઉપર પણ કોઇ ધ્યાન આપનાર નથી. રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની વકરતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મીટીંગો થતી નથી કે અધિકારીઓને કોઈ રજૂઆતો કરવામાં આવતી નથી.ફોસ્ટામાં શરૂ થયેલા આ વિવાદને કારણે સામાન્ય વેપારીઓની રોજીંદી સમસ્યાઓ અને તેમના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રણીઓ નિષ્ફળ ગયા હોવાની લાગણી પ્રવર્તી‍ રહી છે.

કાર્યકારી પ્રમુખનું ધ્યાન દોર્યું હતું પણ...
ફોસ્ટાના વિવાદને કારણે કોઇ કામ ન થતા હોવા અંગે ગત સામાન્ય સભામાં કાર્યકારી પ્રમુખ ગોકુલચંદ બજાજનું ધ્યાન ર્દો‍યુ હતું. વેપારી આલમમાં તેમના કામ ન થતા હોવાને કારણે રોષ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે આ મામલે કોઇ નિર્ણય લીધો નથી. જો આવુ લાંબો સમય ચાલશે તો ફોસ્ટાની કામગીરી સામે હજુ પણ વધુ સવાલો ઉભા થશે. - મનોજ અગ્રવાલ, ફોસ્ટા અગ્રણી