તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાવાળા પાસે ટેક્સ નિચોવવા ફૂંફાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અબજોનું ટર્નઓવર છતા વેરામાં ફાળો બહુ ઓછો કેમ?
- હીરા ઉદ્યોગ વર્ષે દિવસે હજારો-કરોડોનો ધંધો કરે છે પણ રોકડેથી કોઈ ચોપડા રખાતા નથી
- રોકડ જપ્તી દ્વારા સરકારનો હીરાઉદ્યોગને સંકેત, વહેલી તકે ચોપડા ચીતરી ટેક્સ ભરવા માંડો


સમગ્ર વિશ્વમાં કટીંગ એન્ડ પોલીશીંગમાં નંબર વનનું સ્થાન ધરાવતા સુરતમાં અત્યારે સોપો પડી ગયો છે.મુંબઈમાં આઇટી અને એનઆઇએના સંયુકત દરોડામાં આંગડીયા પેઢીના કરોડો રૂપિયા અને ડાયમંડના પાર્સલ જપ્ત થવાને કારણે બેનંબરનો ધંધો કરનારા હીરાવાળાઓના મોતિયા મરી ગયા છે.જે પ્રમાણે મેગા ઓપરેશન હાથ ધરાયું છે તે જોતા હીરાવાળા સમજી ગયા છે કે હવે સીસ્ટમમાં નહી રહીશું,રોકડાનો વહેવાર બંધ નહીં કરીશું તો સરકાર બંધ કરાવી દેશે.

શું છે સરકારની જીદ : જાણકારોનું કહેવું છે કે હીરાઉદ્યોગ કરોડોની કમાણી કરે છે, પણ આ ઉદ્યોગમાંથી જોઇએ તેટલી રેવેન્યુ મળતી નથી એ વાત સરકારના ધ્યાન પર આવી છે અને એટલે પહેલે જ ધડાકે મોટું ઓપરેશન કરીને સોપો પોડી દીધો છે.ઉપરાંત મની લોન્ડરીંગમાં જેમ એન્ડ જવેલરીનો સમાવેશ થવાને કારણે શક્ય છે કે સરકાર તપાસવા માંગે છે કે આંતકવાદી જેવી પ્રવૃતિઓના રૂપિયા તો આ ઉદ્યોગમાં નથી આવતાને?

વિધાનસભાની ચૂંટણી વખતે શું થયું હતું : ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં ચૂંટણી થઈ હતી ત્યારે ચુંટણી પંચે રોકડના વહેવાર પર પ્રતિબંધ મુક્યો હતો ત્યારે હીરાવાળાઓએ સૌથી વધારે ઉહોપાહ મચાવ્યો હતો કારણ કે આંગડીયામાં ભરવા માટે કે રત્નકલાકારોના પગાર માટે મોટા પાયે કેશ હીરાવાળાની પકડાતી હતી.રોકડાનો વહેવાર જોઇને સરકાર પણ ચોંકી ઉઠી હતી. ત્યારથી એનઆઇએનું ઇન્વેસ્ટીગેશન ચાલતું હતું.

હીરાવાળા શા માટે ચોપડા રાખતા નથી : વર્ષોથી વિશ્વાસ પર રોકડાનો ધંધો ચાલે છે. આ ધંધામાં ભણેલા લોકો ઓછા હોવાને કારણે ચોપડા રાખવાની કે એકાઉન્ટન્ટ રાખવાની ઝંઝટમાં કોઇ પડવા માંગતું નથી.આંગડીયાની સુવિધા બેંક કરતા પણ વધારે ઝડપી છે.

દરોડા કાર્યવાહીની અસર શું અને કેટલી લાંબી ચાલશે: કેન્દ્ર સરકારે હવે દરોડાની કાર્યવાહીમાં જરૂર જણાય તો બીજા ડર્પિામેન્ટને જોડવાનો પણ કાયદો બનાવ્યો છે. મુંબઈમાં આઇટી અને એનઆઇએની સંયુકત કાર્યવાહી હતી, પણ તેમાં ડીઆરઆઈ કે એન્ફોર્સમેન્ટ ડર્પિામેન્ટ પણ જોડાઈ શકે.જો કાર્યવાહી લાંબી ચાલે અને પાર્સલો અને રૂપિયાનો છુટકારો ન થાય તો હીરાઉદ્યોગને મુશ્કેલી ઉભી થઈ શકે.બીજુ કે હવે હીરાવાળા કોઇની સાથે રોકડમાં વહેવાર કરતા ગભરાશે એટલે ધંધો ઓછો થશે અને આંગડીયાવાળા પણ કડક બનશે તો રૂપિયોના વેહવાર પણ જલ્દી નહીં થાય એટલે એક લાંબી ચેઇન બ્રેક થશે.

હીરાના ધંધામાં ટેક્સ કયાં કયાં છે

હીરાના ધંધામાં અત્યારે ડાયરેકટ ટેક્સમાં માત્ર ઇન્કમટેક્સ વસુલવામાં આવે છે.પણ આડકતરા વેરામાં પોલિશ્ડ ડાયમંડની આયાત પર બે ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગે છે,સી.એ.ની અથવા સોફટવેરની કે એવી કોઈ સર્વિ‌સ લે તો સર્વિ‌સ ટેક્સ ભરવો પડે છે,મશીનરી પર એક્સાઇઝ અથવા કસ્ટમ ડયુટી લાગે છે.સ્થાનિક જવેલરીના વેચાણ પર સીએસટી લાગે છે.

સુરત-મુબંઈમાંથી ૩૦૦૦ કરોડનો ટેક્સ ભરાય છે

હીરાનો મુખ્ય ધંધો સુરત અને મુંબઈમાં છે. સુરતમાં મેન્યુફેકચરીંગ થાય છે અને મુંબઈમાં ટ્રેડીંગ.સુરતના મોટાભાગના હીરાના વેપારીઓની ઓફિસ મુંબઈમાં આવેલી છે.એક અંદાજ મુજબ સુરત-મુંબઈમાંથી રૂપિયા ૩૦૦૦ કરોડનો ઇન્કેમટેકસ ભરે છે.સુરતનું વાર્ષિ‌ક ટર્નઓવર રૂપિયા ૮૦,૦૦૦ કરોડ છે.જાણકારોના કહેવા મુજબ સુરતમાં ડાયમંડના ૨૪૦૦ એકમો એવા છે જે ૨૦થી ૨પ લાખનો ધંધો કરનારા છે.

૨૦૦૦ એકમો એવા છે જે એકથી ૧.પ૦ કરોડનો ધંધો કરે છે અને ૧૦૦૦ એકમો એવા છે જેનું વાર્ષિ‌ક ટર્ન ઓવર ૨ કરોડથી પ,૦૦૦ કરોડ સુધીનું છે.જે ૧૦૦૦ એકમો છે તેમાંથી મોટાભાગના એકમો સીસ્ટમેટીક કામ કરેછે.જયારે ૩,૦૦૦ કારખાનેદારો છે જે માત્ર અધ્ધર જ કામ કરે છે.ઉપરાંત હીરાબજારમાં કામ કરતા એક લાખથી વધારે હીરાદલાલો અને વેપારીઓ ચોપડા બનાવવાની ઝંઝટમાં પડતા નથી એટલે બધું કામ રોકડથી જ કરે છે.એક અંદાજ મુજબ ૪ લાખ રત્નકલાકારોમાંથી ૩લાખ રત્નકલાકારો પગાર રોકડમાંજ મેળવે છે.

હીરાવાળા અને આંગડિયા

હીરાઉદ્યોગ પર શા માટે તવાઈ

૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩થી મનીલોન્ડરીંગના કાયદામાં જેમ એન્ડ જવેલરીનો પણ સમાવેશ કરાયો છે.વિદેશોમાં આ કાયદો પ્રચલિત છે એટલે કેન્દ્ર સરકાર પણ કમ્પલાયન્સ પર વધુ ફોકસ કરી રહી છે. આમાં સરકારને કઇ ટેક્સની આવક વધુ મળી જશે એવું નથી, પણ આંતકવાદી અને ગેરકાયદે કૃત્યો રોકવા માટે કાયદો અનિવાર્ય બન્યો છે.હીરાવાળાઓએ ફરજીયાત સીસ્ટમમાં આવવું જ પડશે. નિરવ જોગાણી, ચાર્ટડ એકાઉન્ટન્ટ

આંગડીયાઓ માત્ર મીડિયેટર

આંગડીયાનું કામ મિડીયેટરનું છે એટલે કોણ એક નંબરના કે બે નંબરના રૂપિયા આપે છે તેની સાથે અમારે મતલબ નથી. હા, એટલી વાત સાચી કે ખોટા રૂપિયા ન આવી જાણ્ય તે માટે આંગડીયાઓ હવે દરેક વિગત રાખે છે. આઇડી પ્રુફ પણ માંગવામાં આવે છે. આંગડીયામાં કેટલાંક બે નંબરનું કામ કરતા હશે. પણ આંતકવાદના રૂપિયાની હેરાફેરી વાત તદ્દન વાહીયાત છે. નટુભાઈ પટેલ, નટવરલાલ ચીનુલાલ પટેલ આંગડીયા

રોકડના વહેવારથી સરકાર કે ઉદ્યોગને કોઇ નુકસાન નથી

હીરાઉદ્યોગમાં કાચા હીરા આયાત થાય અને તૈયાર હીરાની નિકાસ થાય એ તબક્કે તો ટેકસ ભરાઈ જ છે.માત્ર વચ્ચેની જે ચેઇન છે, હીરાદલાલ કે નાના વેપારી, કારખાનેદારો વગેરેની તેમાં રોકડના વહેવાર થાય છે, પણ છેલ્લો તો આ બધો માલ નિકાસ માટે જ ભેગો થાય છે અને તેની પર ટેકસ ભરવામાં આવે જ છે.કેટલાંક લોકો લાંબી પ્રોસેસથી બચવા માટે ચોપડામાં દલાલીની આવક બતાવી દે છે, પણ ટેક્સ તો ભરે જ છે.૨૦૦૮ પહેલાં હીરાઉદ્યોગ સાવ અન ઓર્ગેનાઇઝડ હતો, પણ છેલ્લાં પાંચ વર્ષમાં ચિત્ર બદલાયું છે આજે વધારેને વધારે લોકો કંપની બનાવીને સીસ્ટમેટીક કામ કરતા થયા છે.દિનેશભાઈ નાવડીયા, પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિયેશન