હનુમાનબારીના ભંડારામાં સાંઈ પદયાત્રીઓની સેવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંઇસેવા ભંડારા ૨૪ કલાક પદયાત્રીઓની સેવામાં હાજર, પોલીસ પણ ૨૪ કલાક પેટ્રોલિંગમાં

વાંસદા તાલુકાના હનુમાનબારી રક્ષેશ્વર હનુમાનજી મંદિરના પટાંગણમાં સાંઈ સેવા ટ્રસ્ટ સંચાલિત સાંઇ ભંડારાનો લાભ છેલ્લા કેટલાક વર્ષોથી શિરડી જતા પદયાત્રીઓ લેતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઈભક્તો હજારોની સંખ્યામાં વાંસદા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાં ઘણાં સાંઈ મંડળો સાંઈની મૂર્તિ‌ તથા ડીજેના તાલે ઝૂમતા જઈ રહ્યા છે એ નજારો અલગ જ જોવા મળી રહ્યો હતો.

સાંઈ ભંડારોમાં છેલ્લા બે દિવસથી ભક્તોનો ધસારો થઈ રહ્યો છે. સાંઈ ભંડારામાં સાંઈ ભક્તોની સેવા માટે સાંઈ સેવા ટ્રસ્ટના જયેશભાઈ પારેખની ટીમ તથા ગામના યુવાનો ૨૪ કલાક સેવા માટે ઉભા રહે છે. છેલ્લા બે દિવસથી ૨૪ કલાક વાંસદાથી સાપુતારા જતો રસ્તો પ્રવાસીઓ પદયાત્રીઓથી ધમધમતો હોવાને કારણે વાંસદા પીએસઆઈ એલ.જી.ગામિતની નિગરાણીમાં તેમનો સ્ટાફ ૨૪ કલાક પેટ્રોલિંગમાં વ્યસ્ત છે. સાંઇભક્તો માટે રોડ ઉપર ઠેર ઠેર રોકાવાના અને ચા-પાણી, નાસ્તાના નિ:શૂલ્ક સ્ટોલ પણ લાગેલા છે.