વાંકલમાં પાંજરામાં મુકેલા બચ્ચાને દીપડી લઈ ગઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાંકલ ગામે બુધવારે ખેતરમાંથી દીપડીનું બચ્ચું મળી આવતાં વન્ય પ્રાણીને લઇ ભયનો માહોલ
- બચ્ચાંને મૂકી દીપડીને પાંજરામાં પૂરવાનો વનવિભાગનો કિમિયો નિષ્ફળ ગયો

માંગરોળ તાલુકાના વાંકલ ગામે બુધવારના રોજ બપોરના સમયે શેરડીના ખેતરમાંથી મળી આવેલા દીપડીના બચ્ચાને વનવિભાગે ખેતરમાં મુકેલ પાંજરામાં મૂક્યું હતું. રાત્રિ દરમિયાન દીપડી બચ્ચાને પાંજરાની બહારથી જ બે સળિયાની ગેપમાંથી ખેંચીને બહાર કાઢયું હતું અને ત્યારબાદ દીપડી પોતાના બચ્ચાંને લઈ ગઈ હતી. દરમિયાન દીપડી પાંજરે નહીં પૂરાતા ખેડૂતો અને નજીકમાં આવેલા ફળિયાના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

આ અંગે સૂત્રો પાસે મળતી માહિ‌તી અનુસાર માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગુસ્તાફભાઈ પારડીવાલાના ખેતરમાંથી બુધવારના રોજ બપોરના સમયે ૧૦ દિવસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. આ બચ્ચાં અંગે ખેડૂતે વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગના આરએફઓ તથા સ્ટાફના માણસોએ દીપડીનું બચ્ચું ફરી શેરડીના ખેતરમાં મૂકી દીધું હતું.

ત્યારબાદ રાત્રિના સમયે એક પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું અને પાંજરામાં દીપડીના બચ્ચાંને મુકી દીપડીને પાંજરે પુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વનવિભાગ કરતાં દીપડી વધુ ચતુર નીકળી હતી. દીપડીએ પાંજરાના સળિયાની વચ્ચે આવેલી જગ્યામાંથી બચ્ચાને બહાર કાઢી લઈ બચ્ચું લઈ જતી રહી હતી. સવારના સમયે ખેડૂત તેમજ વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં ત્યારે તેમણે તેમને પાંજરાની આજુબાજુ દીપડીના પગલાં જોવા મળતાં આખી ઘટના સ્પષ્ટ થઈ હતી.

હવે ખેડૂત તેમજ વાંકલ ગામના આ ખેતર નજીક ફળિયાના રહીશોમાં ભય ઊભો થયો છે. દીપડી ખેતરાડી વિસ્તારમાં બચ્ચાં સાથે ફરતી હોવાની વાતથી રાત્રિના સમયે ખેતરમાં પિયતની તેમજ અન્ય કામગીરી ઉપર અસર પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેત મજૂર તેમજ અમને પણ ખેતરે આવતાં ભય લાગી રહ્યો છે.

દિવસે પણ ખેતરમાં આવતાં ડર લાગે છે

આ અંગે વાંકલ ગામના ખેડૂત મુસ્તાકભાઈ પારડીવાલાઅ જણાવ્યું છે કે ત્રણ ચાર દિવસથી દીપડીનું બચ્ચુ ખેતરમાં અવાજ કરતું હતું. ત્યારબાદ નજરે પડતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, પાંજરુ ગોઠવવા છતાં દીપડી પાંજરે નહીં પુરાતા નજીકમાં આવેલા ફળિયાના રહીશો તેમજ અમને પણ ભય લાગી રહ્યો છે. રાત્રિ દરમિયાન ઉનાળાના સમયે પિયત કરવા આવવું પડે છે ત્યારે દીપડી બચ્ચા સાથે ફરતી હોય તેવા સમયે ખેતરમાં આવવું મુશ્કેલ છે. જેથી દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે એવી અમારી માંગ છે.