તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકામાં ઉત્સાહી ડે. ઈજનેરોએ નિરાશ થવુ પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડે. ઈજનેરોની ભરતી ૧૦૦ ટકા પ્રમોશનથી કરવાના નિર્ણયથી નિરાશા, ફેર વિચારણાની રાહ
ડેપ્યુટી ઇજનેરોની તમામ ભરતી પ્રમોશનથી કરવાના નિર્ણય સામે પાલિકાના ઉત્સાહી ઇજનેરોમાં નિરાશાનું વાતાવરણ ફેલાયું છે. ૭પ ટકા ભરતી પ્રમોશનથી અને ૨પ ટકા ભરતી સીધી ભરતીથી કરવા માટેની દરખાસ્તને ફગાવીને ભાજપ શાસકોએ ૧૦૦ ટકા જગ્યા પ્રમોશનથી ભરવા માટેનો નીતિ વિષયક ઠરાવ કર્યો હતો. આ નિર્ણયથી પાલિકામાં સરકારી તંત્ર જેવા હાલ થાય તેવો ભય હોઈ વીસ દિવસ પહેલાં ભાજપ શાસકોએ સ્થાયી સમિતિમાં લીધેલા નિર્ણય ઉપર હવે પછીની સામાન્ય સભામાં ફેરવિચારણા કરાય તેવી પાલિકાના ઉત્સાહી ઇજનેરોએ મીટ માંડી છે.
અત્યારસુધી પાલિકામાં એવી જોગવાઈ હતી કે, ડેપ્યુટી ઇજનેરની ૭પ ટકા જગ્યાઓ સિનિયોરિટી અને મેરિટથી ભરવી અને ૨પ ટકા જગ્યાએ સીધી ભરતીથી ભરવી. આ જોગવાઈમાં અન્યાય થતો હોવાની રજૂઆતો થઈ હતી. એટલે ૭પ ટકા જગ્યાઓ સિનિયોરિટી કમ મેરિટ(પ્રમોશન)થી ભરવાની અને ૨પ ટકા જગ્યા સીધી ભરતીથી ભરવા માટેની જોગવાઈ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઈ હતી. જોકે, તેની ઉપર મતમતાંતર હોવાથી થોડો સમય દરખાસ્ત મુલતવી રાખી નિર્ણય મોકૂફ રખાયો હતો.
જૂન મહિ‌નાના પ્રથમ સપ્તાહમાં તેની ઉપર મત્તુ માર્યું હતું, પરંતુ ભાજપ શાસકોએ ૭પ ટકાને બદલે ૧૦૦ ટકા જગ્યા પ્રમોશનથી ભરવા માટેની જોગવાઈ કરતો નીતિ વિષયક નિર્ણય લીધો હતો.
પાલિકાને માટેના ભયસ્થાન શું
આ નિર્ણયને મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ મૂકાયો છે. શનિવારે સામાન્ય સભામાં આ મુદ્દે ફેરવિચારણા થવી જોઈએ, તેવો પાલિકાના કેટલાંક ઇજનેરોનો મત છે. તેમનું માનવું છે કે, આ નિર્ણયથી પાલિકામાં ઉત્સાહથી આગળ આવીને કામ કરતાં ઇજનેરોને માટે હતાશા ઊભી થશે. તમામ જગ્યા પ્રમોશનથી જ ભરવાની હોય તો નિરસતાથી કામ કરનાર પણ પ્રમોશન મેળવશે અને ઉત્સાહથી કામ કરનારને પણ પ્રમોશન મળશે. તમામને ચોક્ક્સ સમયે પ્રમોશન મળે તે નક્કી હોઈ, આવી સ્થિતિમાં ખંતથી કામ કરતાં ઇજનેરો હતોત્સાહ થાય તેમ છે. તેમના ઉત્સાહનો અને બીજાની નિરસતાનો એક જ સરખો બદલો મળે તેમ હોઈ પાલિકાની પ્રગતિમાં પણ ઓટ આવી શકે. થોડા સમયમાં પાલિકાનું તંત્ર સરકારી તંત્રની જેમ તબદીલ થઈ શકે તેવો ભય છે.
પાલિકાની ઊંધી દિશા છે
હવે એવો સમય આવ્યો છે કે, જેનામાં ટેલન્ટ હોય તેને પ્રમોશન મળવું જ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો હોંશિયાર અને ખંતીલા હોય તેને આગળ વધવાની તક મળવી જોઈએ. કોર્પોરેટ સેક્ટરમાં આ બાબતને જ ફોલો કરાય છે. સુરત પાલિકા ઇનોવેટિવ કન્સેપ્ટને પ્રમોટ કરવા માટે જાણીતી છે, જો તેમાં આ પ્રકારની સિસ્ટમને અપનાવવાની કોશિશ થતી હોય તો તે ઊંધી દિશામાં જવા જેવું લાગી રહ્યું છે.’
જયેશ રત્નાકર, કોર્પોરેટ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ
ફરી ઉઠયો વિવાદ, કોણ સારું કામ કરે?
પાલિકામાં જુનિયર અને આસિસ્ટન્ટ ઇજનેરની ઉપર ડેપ્યુટી ઇનજેરની પોસ્ટ આવે છે. હાલમાં આ પોસ્ટની ૭પ ટકા જગ્યા પ્રમોશનથી અને ૨પ ટકા જગ્યા સીધી ભરતીથી ભરવાની નીતિ અમલમાં છે. જોકે, હવે ડેપ્યુટી ઇજનેરની તમામ જગ્યાઓને પ્રમોશનથી જ ભરવા માટે સ્થાયી સમિતિએ નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણયને મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે મૂકાયો છે. જો સામાન્ય સભા મત્તુ મારે તો પાલિકામાં ટેકનિકલ કેડરમાં સરકારીવેડાં ચાલુ થઈ જાય તેવો ભય સેવાઈ રહ્યો છે. બીજી બાજુ તમામ ઇજનેરોને તક મળે તેવી આશા પણ ઊભી થઈ છે.