ઓવરબ્રિજના વર્ષ પછી ગેસ સર્કલ પર આઇલેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બ્રિજસેલે ડિઝાઈન તૈયાર કર્યા પછી બીઆરટીએસ સેલે ફાચર મારતાં એક વર્ષથી ટલ્લે ચઢેલો ગેસસર્કલવાળા આઇલેન્ડનું હવે ઠેકાણું પડશે, ગત વર્ષે જૂન મહિ‌નામાં ઓવરબ્રિજનો પહેલો હિ‌સ્સો ખુલ્લો મૂકાયો હતો. એટલે, ત્યારથી હાડપિંજર જેવી સ્થિતિમાં આઈલેન્ડ પડયો હતો.

સરદાર બ્રિજના અડાજણ છેડે ઓવરબ્રિજ ખુલ્લો મુક્યાને એક વર્ષ પુરું થઈ ગયું છે. હવે એક વર્ષ પછી આ બ્રિજની નીચેના આઈલેન્ડનો મેળ પડયો છે. પાલિકાના જ બે વિભાગો વચ્ચેના ગજગ્રાહમાં આઇલેન્ડની ડિઝાઈન તૈયાર કરાયા પછી એક વર્ષ સુધી ફાઇલમાં અટકી પડયો હતો. હવે, બંને વિભાગો વચ્ચે બુચ્ચા થઈ જતાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીએ આઇલેન્ડ બનાવવા મગાવેલા ટેન્ડરને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મોકલી દીધાં છે. સરદાર બ્રિજના અડાજણ છેડે ઓવરબ્રિજનું કામ ૨૦૦૯માં શરૂ કરાયું હતું. એટલે, બ્રિજની ડિઝાઈનમાં આડે અવતાં ગેસ સર્કલવાળા આઈલેન્ડના હિ‌સ્સાને તોડીને ભૂક્કો બોલાવી દીધો હતો. ગત વર્ષે જૂન મહિ‌નામાં ઓવરબ્રિજનો પહેલો હિ‌સ્સો ખુલ્લો મૂકાયો હતો. એટલે, ત્યારથી હાડપિંજર જેવી સ્થિતિમાં આઈલેન્ડ પડયો હતો, તેનો પણ ઉદ્ધાર થાય તેવું જોવાઈ રહ્યું હતું, પરંતુ બ્રિજ શરૂ કર્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં 'ઉદ્ધાર’ને બદલે આઇલેન્ડનું આયોજન 'અદ્ધર’ થઈ ગયું હતું.

BRTS સેલને વાંધો હતો

ઓવરબ્રિજ તૈયાર થયા પછી પાલિકાના બ્રિજ વિભાગે ઉત્સાહમાં આવીને નવા આઇલેન્ડ માટે ડિઝાઈન તૈયાર કરાવી દીધી હતી. જોકે, ગત વર્ષે સદ્દભાવનાની ગ્રાંટ આવશે એવું માનીને પાલિકાએ બીઆરટીએસ પ્રોજેક્ટનો બીજો ફેઝ પણ હાથ ધરવાનું નક્કી કરી દીધું હતું. તેમાં એક રૂટ તરીકે અડાજણ પાટિયાથી પાલ સુધીનો રોડ પણ સામેલ કર્યો હતો. એટલે, બીઆરટીએસ સેલ દ્વારા આ આઇલેન્ડના આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. આઇલેન્ડની વચ્ચેથી બીઆરટીએસની બસનો કોરિડોર કાઢવા માટેનો મુદ્દો ઉભો કર્યો હતો. એટલે, વિવાદ સર્જા‍યો હતો. પાલિકાના જ બંને વિભાગો સામસામે આવી ગયાં હતાં.