સુરત જિ.પં.ની ઓપન કારોબારી બેઠકનું સૂરસુરિયું!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓપન કારોબારીમાં પક્ષકારોની હાજરી વચ્ચે નિર્ણયો લેવાનું જાહેર કરાયું પણ
- હોદ્દેદારો તો નહીં આવ્યાં, જમીન બિનખેતી કરાવવા ઘણા પક્ષકારો પણ ન ફરક્યાં


જિલ્લા પંચાયતમાં ઓપન કારોબારી બેઠક બોલાવવાના પ્રયોગની હવા નીકળી ગઈ હતી. બેઠકમાં પંચાયતના સભ્યો કે ધારાસભ્યો તો ફરક્યાં જ નહતાં પરંતુ જમીન બિનખેતી(એન.એ)માં ફેરવવા માટેની અરજી કરનારા પક્ષકારો પણ ફરક્યાં નહતાં. આવી એન.એ. માટેની ૧૪પ અરજીઓમાંથી માત્ર ૨૬ અરજીઓને મંજૂર કરી હતી. ઓપન કારોબારીમાં પક્ષકારોની હાજરી વચ્ચે નિર્ણયો લેવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ બેઠક પહેલાં બંધ બારણે 'સંકલન’ કરવાની ફરજ પડતી હોવાને કારણે આખો તખ્તો માત્ર દેખાડો હોવાનું જાણીને પક્ષકારો હાજર રહેવાથી દૂર રહ્યા હોવાનો ગણગણાટ બેઠક બાદ શરૂ થઈ ગયો હતો.

કારોબારી અધ્યક્ષ હિ‌તેન્દ્ર વાંસિયાના પ્રમુખપદે પહેલીવાર ઓપન કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકની શરૂઆતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિન પટેલે આ પ્રયોગને લોકો આવકારશે તેવી આશા વ્યક્ત તો કરી હતી. જોકે, તેમના વકત્વ્ય વખતે જ કારોબારીમાં મૂકાયેલી મોટાભાગની ખુરશીઓ ખાલી પડી હતી. બેઠકમાં જમીન એન.એ કરવાના ૧૪પ જેટલી અરજીઓ ઉપર નિર્ણય લેવાના હતાં પરંતુ ફક્ત ગણ્યાંગાંઠયા પક્ષકારો જ હાજર રહ્યાં હતાં. પક્ષકારો તો ઠીક જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર નહીં રહ્યાં હતાં. પાંખી હાજરી વચ્ચે ૧૪પ અરજીઓમાંથી ફક્ત ૨૬ અરજીઓને જ મંજૂર કરી હતી.

- જમીન એન.એ સિવાયના આ નિર્ણય પણ લેવાયા

આ બેઠકમાં જિલ્લામાં સિકલસેલ એનિમિયાના ૨૦ દર્દીઓને રૂ. ૧.૭૧ લાખની સહાય, લોકભાગીદારીથી રસ્તા સુધારણા યોજના હેઠળ અગાઉ ઓલપાડમાં કોંક્રીટના રસ્તા મંજૂર કર્યા હતાં. તેની જગ્યાએ પેવરબ્લોકના રસ્તાનું કામ મંજૂર કયુંર઼્ હતું. કુવા અને બોરાના લાભાર્થીઓના નામમાં ફેરફારની દરખાસ્ત, સ્વભંડોળમાંથી અસાધ્ય રોગના ૮ દર્દીઓને ૨પ હજાર મુજબ ૨ લાખ રૂપિયાની સહાયની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી.

- એન.એની અરજીઓમાં મોટામાથાઓની અરજીને બહાલી મળી!

ખાસ કરીને જમીન એન.એ કરાવવાના કામોમાં આક્ષેપ થતાં હોવાથી ચોખ્ખાં સાબિત થવા માટે ઓપન કારોબારીનો અખતરો કરાયો હતી. જોકે, પહેલાં બંધ બારણે વહીવટ માટે 'સંકલન’ કરવાની ફરજ પડતી હોવાને કારણે આખો તખ્તો માત્ર દેખાડો હોવાનું જાણીને પક્ષકારો હાજર રહેવાથી દૂર રહ્યા હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. તેને બેઠકમાં લેવાયેલા નિર્ણયોએ પણ આડકતરી રીતે સમર્થન આપ્યું હતું. કેમકે, શુક્રવારે ઓપન કારોબારી હતી, છતાં એન.એ ની ૧૪પ અરજીમાંથી ફક્ત ૨૬ જ અરજી મંજૂર કરી હતી. તેમાં પણ મોટા ઉદ્યોગપતિઓની કહેવાતી જમીનના કિસ્સામાં જ નિર્ણયો લેવાયા હતાં.