કીમમાં ચાલુ ટ્રેને મોબાઈલ ફોન ઝુંટવી લેતો યુવાન ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવાન પાસે મોબાઈલ ઝુંટવતા તે ટ્રેનમાંથી પટકાતા ઈજા થઈ હતી

કીમમાં બુધવારના રોજ બપોરે ૨.૩૦ કલાકની આસપાસ પસાર થતાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં દરવાજા પાસે બેઠેલ પાલેજના એક યુવકના હાથમાંથી ચાલુ ટ્રેને મોબાઈલ ઝુટવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાલુ ટ્રેનમાંથી જેની પાસેથી મોબાઇલ ઝુંટવી લેવાયો તે યુવક ટ્રેનમાંથી નીચે પટકાતા શરીરના ભાગે ઈજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત થવા છતાં તેણે સ્થાનિકોની મદદથી એક મોબાઇલ ઝુંટવનારી ટોળકીના એકને ઝડપી પાડ્યો હતો. જો કે ટ્રેનમાંથી પટકાયેલા યુવકને ઇજા થતાં તેને સ્થાનિકોએ નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલ ઝૂટવનારો એક યુવાન ઝડપાયો હતો.

છેલ્લા કેટલાક સમયથી રેલવે હદમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ અને મોબાઈલ ચોર ગેંગ સક્રિય થતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. વિગત મુજબ ભરૂચ નજીક પાલેજ ખાતે રહી મોબાઈલની દુકાન ધરાવતાં શકીલ પટેલ (ઉ.વ.૨૨) પોતાના પાસપોર્ટના કામ અર્થે આજરોજ સુરત ગયો હતો. બપોરે કામ પતાવી સુરતથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં બેસી કીમ સ્ટેશને પહોંચ્યો હતો.

કીમ સ્ટેશનેથી ઉપડેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસના દરવાજા પાસે બેઠેલો યુવક શકીલ મોબાઈલ જોઈ રહ્યો હતો, ત્યારે કીમ રેલવે ગોદી પાસે ટ્રેન પહોંચતા મોબાઈલ ચોર ટોળકીના બે વ્યક્તિઓ મોબાઈલ ઝૂટવવા પ્રયાસ કર્યો અને મોબાઈલ લઈને ભાગી છૂટયા હતાં. તેની સાથેના અન્ય બીજા ત્રણ- ચાર ઈસમો ભાગવાના હતાં, ત્યારે ઝપાઝપીમાં ચાલુ ટ્રેને શકિલ પટેલ પણ પટકાયો હતો તેને માથાના તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી હતી.

ઈજા પહોંચવા છતાં નજીકમાં જ ભાગતા એક યુવકને ઝડપી પાડ્યો હતો અને કીમ પોલીસ મથકે સ્થાનિકોની મદદથી લઈ ગયો હતો. કીમ પોલીસ મથકે ગયા બાદ કોસંબા રેલવે પોલીસનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં આ ચોથો બનાવ છે જેમાં રેલવે ફાટક અને રેલવે ગોદી પાસે મોબાઈલ ચોર ટોળકી વોચ ગોઠવી સક્રિય બની છે. ત્યારે મોટેભાગે આ બનાવમાં ફરિયાદો ન નોંધાતા તસ્કરો તોળકી ગેલમાં આવી એક પછી એક બનાવનોને અંજામ આપી રહી છે ત્યારે રેલવે પોલીસ આ બાબતે સજાગતા દાખવી આ તસ્કર ટોળકીને પકડી ઝબ્બે કરે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.