હવે ટ્રસ્ટની મિલકતો માટે વાટાઘાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોપીતળાવની ફરતેની વસાહતોનું ડિમોલીશન કરી દેવાયું છે. છતાં હજુ તળાવ અને કોટસફીલ રોડની વચ્ચે ઘણી મિલકતો હજુ ઊભી છે. જોકે, આ મિલકતો જુદા જુદા ટ્રસ્ટની જમીનો ઉપર ઊભી છે. એટલે, પાલિકાએ ચોમાસા પછી બીજા ફેઝમાં તેને દૂર કરવા માટેનો સળવળાટ શરૂ કરી દીધો છે. વાટાઘાટથી ઉકેલ લાવવા જુદા જુદા ટ્રસ્ટના કર્તાહર્તાઓ સાથે ચર્ચાઓનો દૌર ઝડપી બનાવી દીધો છે. હવે કોટસફીલ રોડથી નવસારી બજારની વચ્ચેના રોડની બાજુમાં ૧૦ હજાર ચોરસમીટરથી પણ વધારે જમીન ખુલ્લી થઈ ચૂકી છે. છતાં ઘણી મિલકતોનો પડદો ઊભો છે.

'ઇતના ડિમોલીશન કિયા પર તાલાબ તો દિખતા નહીં હૈ...’

શુક્રવારે કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાના પત્ની ઇશર જજ અહલુવાલિયા પણ શહેરના મુલાકાતે આવ્યાં હતાં. કમિશનર દાસની સાથે તેમણે શહેરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમને ગોપીતળાવની પાસે કરાયેલા ડિમોલીશનના સ્થળની પણ વિઝિટ કરાવાઈ હતી. જોકે, તેમણે પાલિકાના અધિકારીઓને સીધો સવાલ કર્યો હતો કે, 'ઇતના ડિમોલીશન કિયા પર તાલાબ તો દિખતા નહીં હૈ...’ જોકે, પાલિકાના કમિશનર દાસ સહિ‌તના સ્ટાફે તેમને જણાવ્યું હતું કે, બીજા ફેઝમાં હવે બાકીની જગ્યા ખુલ્લી કરાશે.

'ઓપરેશન ડિમોલીશન’, હવે ચોમાસા પછી સેકન્ડ ફેઝ

પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના વડા ડેપ્યુટી કમિશનર (પ્લાનિંગ) જીવણભાઈ પટેલનું કહેવું હતું કે, ગોપીતળાવના પ્રોજેક્ટને માટે હવે ચોમાસા બાદ પાલિકાએ ડીકેએમ હોસ્પિટલની સામેના ભાગમાં ગધેવાન ટેકરા તરફ આવેલી ટ્રસ્ટની જગ્યા ઉપરની ૬પ મિલકતો અને રૂસ્તમપુરા તરફ કબ્રસ્તાનની બાજુમાં આવેલા ૨૪ જેટલાં કાચા-પાકા મકાનોને ટ્રસ્ટીઓ સાથે વાટાઘાટ બાદ દૂર કરવા માટેનું વિચાર્યું છે. જુદા જુદા ચારેક ટ્રસ્ટની સાથે વાતચીત ચાલી રહી છે. ત્રણેક ટ્રસ્ટ સાથે વાત હકારાત્મક રીતે આગળ વધી રહી છે.