કુપોષણના કકળાટ પછી રાંદેર, અઠવામાં નવી આંગણવાડીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્રએ એકપછી એક પગલાં ભરાવા માંડયાં
- જહાંગીરાબાદ, વરિયાવમાં આંગણવાડીઓ બનાવવા ઓફર મગાવાઈ


કુપોષણની કાળી ટીલીને ભૂંસવા માટે આંગણવાડીઓ ઉપર ધ્યાન કેન્દ્રિ‌ત કરવાની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે. તેમાં હવે રાંદેર અને અઠવાઝોનની આંગણવાડીઓનો પણ નંબર લાગ્યો છે. છેલ્લાં એક વર્ષમાં કતારગામ, વરાછા, ઉધના, લિંબાયતમાં, તેમાંય ખાસ કરીને આ તમામ ઝોનમાં નવા સમાવષ્ટિ વિસ્તારોમાં હયાત આંગણવાડીઓની સ્થિતિ દુરસ્ત કરવા ઉપરાંત નવી આંગણવાડી બનાવવા માટેની કામગીરી થઈ છે. જોકે, તેમાં રાંદેરઝોન અને અઠવાઝોન બાકાત હતો, તેનો હવે નંબર લાગ્યો છે. રાંદેર ઝોનમાં સમાવષ્ટિ જહાંગીરાબાદ, વરિયાવ જેવા વિસ્તારોમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે ઓફર મગાવી લેવાઈ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની છબી ઉપર તળિયે ગયેલા હ્યુમન ઇન્ડેક્સે ગંભીર સવાલો ઉભા કર્યા છે. બીજા શબ્દોમાં વિકાસના દાવા સામે કુપોષણનો મુદ્દો હાવી થયો છે. મહિ‌લાઓ અને નાના બાળકોમાં પોષણનો અભાવ મોટો પ્રશ્ન બન્યો છે. આ સ્થિતિ આખા રાજ્યની છે, તેમાં સુરત શહેર પણ બાકાત નથી. શહેરમાં ૧૦૦૪ જેટલી આંગણવાડીઓ છે, તેમાં ૩થી ૬ વર્ષના પ૦ હજારથી વધુ બાળકોના પોષણ વધારા માટે અને તેની સ્થિતિ ઉપર નજર રાખવા માટેના એકપછી એક પગલાં ભરાવા માંડયાં છે. કુપોષણની આ કાળી ટીલીને દૂર કરવા માટે મથામણ પૂરજોશમાં શરૂ કરાઈ છે. તેમાં પાલિકાએ શહેરી વિસ્તારમાં બાળકોને પુરતું પોષણ આપવા માટે તૈયાર નાસ્તો પહોંચાડવાનું પગલું ભર્યું છે, હવે બાળકોના વજનનું સતત મોનિટરિંગ કરવાનું નક્કી કર્યું છે.

- સાત ઝોનમાં ૩૦૦ નવી આંગણવાડી બનશે

પાલિકાએ શહેરમાં નબળાવર્ગના ૩થી ૬ વર્ષના નાના બાળકો આંગણવાડીમાં આવે તે માટે જૂની ભંગાર હાલતની આંગણવાડીઓ દૂર કરીને નવા મકાનો બનાવવાનું આયોજન કર્યું હતું. ૩૦૦ જેટલી આંગણવાડીના મકાનો બનાવવાના કામ ગત વર્ષમાં સોંપી દેવાયા છે. હાલમાં વધુ ૨૧ જેટલી આંગણવાડીઓ બનાવવાનું કામ સોંપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત પણ લવાઈ છે. આંગણવાડીઓની સુધાર માટે રાજ્ય સરકાર પાસેથી ૨૭ કરોડ રૂપિયા જેટલી ગ્રાંટ પણ મળી છે, તેવું પાલિકાનું કહેવું છે.