તલંગપોર નહેરમાંથી ઉદ્યોગો માટે કરોડોના પાણીની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તલંગપોર નહેરમાંથી ચોરીનું નર્મદા વોટર વર્કસનું કૌભાંડ
સચિન ખાતે આવેલા સ્પેશયલ ઇકોનોમી ઝોનને પીવાના પાણી આપવાનો ઇજારો ધરાવતા નર્મદા વોટર વર્કસ દ્વારા પાણીચોરીનું કૌભાંડ ઝડપાયું છે. તલંગપોર નહેરમાંથી પાણી ચોરીને ૨૦ એકમોને ગેરકાયદેસર રીતે પાણી પહોચાડાતું હતું. સચિન વિવર્સ એસોસિયેશનના અગ્રણીઓની ફરિયાદ બાદ તપાસમાં કૌભાંડ ઝડપાયું તો ખરું પણ, ઇરિગેશનના અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ આપવાને બદલે તેને સામાન્ય અરજી આપીને ચાલતી પકડી હતી.
સચિન વિવર્સ એસોસિયેશને ઇરિગેશનના અધિકારી આર.સી.અટોદરિયાની ભાગીદારીમાં આ ગોરખધંધો આચરાતો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ વેપલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે, જેને કારણે તંત્રને આજ સુધીમાં કરોડોનો ચૂનો ચોપડાઈ ચુક્યો છે.
- વર્ષે પોણા કરોડના પાણીનું ગેરકાયદે વેચાણ
સચિન વિવર્સ એસોસિયેશન વતી મહેન્દ્રપટેલે વિગતો આપતાં જણાવ્યુંકે સચિન એસઇઝેડને પીવાનું પાણી આપવા માટે નર્મદા વોટર વર્કસને ઇજારો અપાયો છે. હવે આ ઇજારદાર દ્વારા ઇરિગેશનના અધિકારી અટોદરિયાની ભાગીદારીમાં બેરોકટોક છેલ્લા કેટલાય મહિ‌નાઓથી ૨૦ જેટલા ડાઇંગ હાઉસોને ગેરકાયદે રીતે પાણી વેચવામાં આવી રહ્યું છે. આ માટે ૩ મીટર વ્યાસની પાઇપ લગાવીને તેને તલંગપોરની નહેરમાંથી પાણી ગેરકાયદે રીતે ખેંચી કાઢવામાં આવતું હતું. આ પાણીને બાદમાં સચિનના યુનિટોને વેચવામાં આવતું હતું. એક વર્ષમાં પોણો કરોડ કરતાં વધારેનો વેપલો કરાતો હોવાના ગંભીર આક્ષેપ વિવર્સ એસોસિયેશન દ્વારા કરાયા છે.
- ૩ મીટરના પાઇપ પકડાયા બાદ કોઇ કાર્યવાહી નહીં
નર્મદા વોટર વર્કસે નહેરમાં ગેરકાયદે જોડેલા ૩ મી બે જોડાણો ઝડપાયા બાદ પણ આસિ. એન્જિનિયર અટોદરિયાએ પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. ઇરિગેશનના અધિકારી ભરત શાહે સ્થળ પર ચેકિંગ કર્યું ત્યારે તેનું લાઇવ વીડિયો રેકોડિગ કરાયું હતું. છતાં ઇરિગેશન અધિકારીઓએ પોલીસમાં સામાન્ય અરજી આપીને ચાલતી પકડી હતી. આમ આખો કિસ્સો દબાવી દેવા પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ સચિન વિવર્સ એસો.એ કર્યો છે.
- શું કહે છે ઇરિગેશન
ઇરિગેશન વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુંકે આ કિસ્સામાં તેઓ દ્વારા વિવર્સ આગેવાનોને રૂબરૂ મળવા બોલાવાયા છે. તેઓના અધિકારીઓની કોઇ ભૂમિકા હશેતો તેની સામે આકરી કાર્યવાહી કરાશે.