ગૂંચ ઊભી કરવામાં નાટક સફળ રહ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનની નાટય સ્પર્ધાના ત્રીજા દિવસે ફન એનલિમિટેડ સંસ્થાનું નાટક 'ટુ બી કન્ટીન્યુડ’ રજૂ થયું. જેના લેખક અને દિગ્દર્શક શૈલેન્દ્ર વડનેરે હતા. એક સામાયિકમાં પ્રગટ થતી ધારાવાહી નવલકથાનો અંત અને એને કારણે થતાં બે ખૂનની આ અટપટી ગૂંથણી હતી. જે સમજવામાં વિકટ હોવાથી નીરસ બની. નાટકના લેખક તરીકે શૈલેન્દ્રએ પ્રેક્ષકોને કલાત્મક રીતે ગૂંચવ્યા. અગાઉ પણ આ નાટક ક્રમશ: તરીકે આ સ્પર્ધામાં ભજવાઇ ચૂક્યું હતું. દિગ્દર્શક શૈલેન્દ્રએ ગૂંચવણભરી સ્ક્રીપ્ટને વધારે ગૂંચવવા માટે એકના એક કલાકારો પાસે એકથી વધું પાત્રો કરાવડાવ્યા.જેમ કે લેખક બનેલા ડેનિશ પુણીવાલા જ કૃષ્ણકાંત બન્યા, આદિત્ય બનેલા ખંજન જ આગંતુક બન્યા અને પરિમલ રાઠોડ પણ બન્યા. લેખકના પત્ની મનિષા શુક્લા જ દેવદાસી પણ બન્યા. હોટેલ બોય બનેલા શૈલેન્દ્ર જ સામાયિકના વિલન મેનેજર મેનન પણ બન્યા. બિચારો દર્શક, એક ગૂંચમાંથી રાહત પામે ત્યાં બીજી અનેક ગૂંચ ઊભી થાય. ટુ બી કન્ટીન્યૂડ. દિગ્દર્શક શૈલેન્દ્રના જો કે ઘણાં જમા પાસા પણ હતા. રંગમંચનો કલ્પનાશીલ ઉપયોગ અને તેથીય વધુ શૌનક પંડયાના ધ્વનિ સંગીતનો ઉપયોગ સરસ રીતે થયો. સારા અભિનેતાનો એમણે સરસ ઉપયોગ કર્યો. અભિનય ક્ષેત્રે ખંજન કુમાર, ડેનિશ પુણીવાલા, નીરજ ચિનાઇ, શિવાની દૂધવાલા અને ખુદ શૈલેન્દ્ર વડનેરે એ ખુદ પાત્ર જ નહિં, પાત્રોને દિપાવ્યા. એક સુંદર ટીમવર્ક જોવા મળ્યું. ઓડિયન્સ પોલ આખું નાટક રહસ્યથી ભરપુર હતું. નાટક માણવાની ખુબ મજા પડી. ખાસ કરીને નાટકનો અંત ખુબ જ ગમ્યો. - અબ્દુલ કાદર પરિમલ રાઠોડનું પાત્ર તેના અભિનયનાં જોરે જીવી ગયું. ઇન્ટ્રોની સ્ટાઇલ ખુબ પસંદ પડી અને અંતમાં પણ બે વાર પર્દો પડે છે એ સ્ટાઇલ પણ નવી હતી.- શ્વેતા કુંડલિયા નાટકમાં અલંકારીત ભાષાનો વધુ ઉપયોગ હતો. કોઇ કોઇ પાત્રોની કન્ટીન્યુટી તૂટતી હતી. સંવાદો ઘણા ખુબ લાંબા હતા. નાટક સામાન્ય લાગ્યું.- ઓમ મહેતા પ્રસંગોપાત ફ્લેશબેકમાં આવતી કથા મજેદાર હતી. સંવાદો ગમ્યા.'' સુખને વાગોળવુ જોઇએ અને દુખને ઓગાળીને પી જવું જોઇએ.’’ સંવાદ ગમ્યો.- શીતલ