મુસ્લિમ બિરાદરે હિન્દુ યુવતીને દિકરી ગણી ધામધૂમથી લગ્ન કરાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિસોદરાના મુસ્લિમ બિરાદરે હળપતિ યુવતીના ધામધૂમથી લગ્ન કરાવ્યા
અશરફભાઇ મુલતાનીએ પોતાને ત્યાં કામ કરતી યુવતીને દીકરી જેવી ગણી લગ્ન કરાવી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરુ પાડયું
આજે જ્યારે અનેક જગ્યાએ કોમવાદનું વાતાવરણ છે અને લોકો સ્વલક્ષી વધુ બન્યા છે ત્યારે નવસારી નજીકના સિસોદરા ગામના રહીશ વ્યવસાયે વેપારી મુસ્લિમ શખ્સે પોતાને ત્યાં કામ કરતી હળપતિ યુવતીને દીકરી જેવી ગણી તેણીના મંગળવારે ધામધૂમથી લગ્ન કરાવી આપી અનોખું ઉદાહરણ પુરું પાડયું હતું.
નવસારી તાલુકાના ગણેશ સિસોદરા ગામે કન્યાશાળા નજીક અશરફભાઈ આઈ. મુલતાની નામના શખ્સ રહે છે. અશરફભાઈની કબીલપોરમાં ભારત કોટન વર્કસ નામે દુકાન આવેલી છે. અશરફભાઈએ એક ખૂબ જ માનવીય અને દિશાસૂચક ઉદાહરણ પુરું પાડયું છે. આ મુસ્લિમ વેપારીએ પોતાની દુકાનમાં કામ કરતી હળપતિ યુવતીને દીકરી સમાન ગણી મંગળવારે નવસારીની એક લગ્નની વાડીમાં ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા હતા.
અશરફભાઈ મુલતાનીની દુકાનમાં કાલીયાવાડીના ભેલ તલાવડી મહોલ્લામાં રહેતા ભીખુભાઈ રાઠોડની દીકરી કલ્પના દશેક વર્ષથી કામ કરે છે. કલ્પનાના પિતા ભીખુભાઈ મજૂરી કરે છે અને આર્થિ‌ક સ્થિતિ બિલકુલ સામાન્ય છે.
ભરૂચ રહેતો શૈલેષ પટેલ નામનો યુવાન નવસારી અવારનવાર આવતો હતો તેની સાથે કલ્પનાના લગ્ન નક્કી કર્યા હતા. આ લગ્નને ધામધૂમથી કરવાનો અને તેનો સંપૂર્ણ ખર્ચ કરવાનો અશરફભાઈએ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત અશરફભાઈએ નવસારી નજીક સ્વપ્નલોક સોસાયટીમાં આવેલી મોચી પંચની લગ્નની વાડી ભાડે રાખી હતી અને મોટીસંખ્યામાં લોકોને આ લગ્નમાં હાજર રાખી ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, અશરફભાઈ મુલાતનીને લગ્નજીવન થકી ત્રણ સંતાનો હતા જેમાં બે છોકરા અને એક છોકરી છે. એક છોકરો ગત એપ્રિલમાં જ મૃત્યુ પામ્યો હતો. એક છોકરો અપંગ છે. છોકરી શાળામાં અભ્યાસ કરે છે. અશરફભાઈએ કલ્પના રાઠોડને દીકરી તરીકે દત્તક તો લીધી ન હતી પરંતુ દીકરી જેવી ગણી પરણાવી છે.
આગળ વાંચો, શું કહેવું અશરફભાઈનું