• Gujarati News
  • Mumbai Economical Firm Action Action Start Work After Two Days In Surat

મુંબઇમાં આંગડીયાઓ સામે કાર્યવાહી બાદ શનિવારથી સુરતમાં કારોબાર શરૂ થયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રફ ડાયમંડના પાર્સલ અને કેશ ટ્રાન્ઝેકશનની કાર્યવાહી પુર્વવત થતા ફરી કામકાજો શરૂ થયા
મુંબઇ સેન્ટ્રલ રેલ વે સ્ટેશન નજીક આંગડીયા પેઢીના પાર્સલ અટકાવીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર હીરા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ સુરત અને અમદાવાદના હીરાના કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ આંગડીયા પેઢીઓના વ્યવહાર પણ ખોરંભે પડયા હતા. ત્રણ દિવસની તપાસના અંતે મુંબઇ અને સુરતના હીરા બજારમાં આંગડીયા પેઢીઓએ રાબેતા મુજબ કામકાજો શરૂ કરી દીધુ છે અને હીરા ઉદ્યોગકારોએ પણ રાહતનો દમ લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખીન એનઆઇએફ દ્વારા મુંબઇ સેન્ટ્રલ નજીક આંગડીયા પેઢીના પાર્સલો ભરેલી ટ્રકો અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રોકડ રકમ ઉપરાંત જ્વેલરી અને રફ ડાયમંડનો મોટો જથ્થો અટકાવવામાં આવતા સુરતના હીરા બજાર સહિ‌ત જ્વેલર્સ આલમ અને અમદાવાદ - રાજકોટના ચોકસી બજારમાં પણ હડકંપ મચી ગયો હતો. ખાસ કરીને સુરત શહેરના હીરાના કારખાનેદારો કે જેઓ મોટા ભાગે રફ ડાયમંડની ખરીદી મુંબઇના હીરા બજારમાંથી જ કરે છે આવા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો હતો. ઉપરાંત જેમને પણ મુંબઇની હીરાની પેઢીઓ સાથે રોજનો રોકડ વ્યવહાર ચાલે છે તે અને જેમની હેડ ઓફિસ મુંબઇમાં આવેલી છે એવા તમામ વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
જો કે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની લાંબી લચક તપાસના અંતે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ થતા આખરે આંગડીયા પેઢીઓ દ્વારા પોતાનો કારોબાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે. મુંબઇથી રોકડ સહિ‌ત ઝવેરાત અને રફ તેમજ તૈયાર હીરાનો જથ્થો રાબેતા મુજબ સુરતના વેપારીઓને મળતો થઇ જતા શનિવારના રોજ સ્થાનિક હીરા બજારનો કારોબાર પુર્વવત ધમધમતો થઇ ગયો હતો.
અફવા બજારને કારણે વધારે ગભરાટ ફેલાયો
મુંબઇમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આંગડીયા પેઢીના પાર્સલ સીઝ કરીને કરવામાં આવેલી કાર્યવાહીમાં સમગ્ર હીરા ઉદ્યોગમાં ધડ માથા વગરની અફવાઓ ફેલાઇ હતી. આ અફવાને કારણે જ હીરાના વેપારીઓમાં એક પ્રકારનો ગભરાટ ફેલાયો હતો અને સ્થિતિ સુધરવાને બદલે ઝડપથી બગડી હતી. જો કે, શનિવારના રોજ સ્થાનિક હીરા બજારની ઓફિસો અને આંગડીયા પેઢીના કારોબાર રાબેતા મુજબ થઇ ગયો હતો.
દિનેશ નાવડિયા, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન