અંદર કી બાત! જેલમાં બુટલેગરના આંતરવસ્ત્રમાંથી મળ્યો મોબાઇલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લાજપોર મધ્યસ્થ જેલમાં બુટલેગરના આંતરવસ્ત્રમાંથી મળ્યો મોબાઇલ - અમદાવાદની સ્કવોડે ઝડતી લેતાં વોર્ડ નંબર ૪ના બેરેક નં. ૩માં રહેતો પાસાનો અટકાયતી કલ્પેશ સોની ઝડપાયો - મોદી દ્વારા હાલમાં જ જેનો ઉદઘાટન કરાયું હતું તેવી નવી શરૂ થયેલી હાઈટેક જેલમાં પણ મોબાઈલ પહોંચી ગયા સચિન-નવસારી રોડ પર આવેલી રાજ્યની સૌથી આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં ઝડતી સ્કોડે નડિયાના એક બુટલેગરના અંડરવેરમાંથી મોબાઇલ ઝડપી પાડ્યો હતો. રાજ્યના જેલર ગ્રુપ-૨ના અધિકારી ભીખમખાન કળુખાન બહેલીમે પોતાના સ્ટાફ સાથે લાજપોર જેલમાં ઝડતી લીધી હતી. આ ઝડતી દરમિયાન વોર્ડ નં. ૪ના બેરેક નં. ૩માં રહેતા કલ્પેશ ઉર્ફે ભજીયું ગણવંતલાલ સોની (હાલ રહે. લાજપોર મધ્યસ્થ જેલ, મૂળ રહે. સુથારવાડા ફિળયું, તા. કપડગંજ, જિ. નડિયાદ)ના અંડરવેરમાંથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ સીમકાર્ડ સાથે મળી આવ્યો હતો. કલ્પેશ નડિયાદમાં દારૂના ગુનામાં પકડાઈ ગયો હોઈ તેની પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મોબાઇલ મળતાં જ કલ્પેશે મોબાઇલ વિશે વાત છુપાવવાની તથા આ મોબાઇલ તેની માલિકીનો ન હોવાની વાત કરી હતી. આ ઘટના અંગે ભીખમખાન બહેલીમે સચિન પોલીસ મથકમાં ફરિયાદ કરતા સચિન પોલીસે કલ્પેશ સોની સામે જેલમાં મોબાઇલ રાખવા બદલનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પ્રોબેશન પીએસઆઈ કે. પી. ખરાડી કરી રહ્યા છે. લાજપોર ખાતે નવી મધ્યસ્થ જેલમાં અતિઆધુનિક ટેક્નોલોજીવાળા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેમ છતાં જેલમાં રહેતા કેદીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા જણાઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે કેદીઓની આ વૃત્તિ જેલના અધિકારીઓ દ્વારા નહીં પણ અમદાવાદથી આવતી ઝડતી સ્કવોડ દ્વારા ઉજાગર થાય છે. જેલના કર્મચારીઓને મોબાઇલ કે સીમકાર્ડ દેખાતા નથી પણ ઝડતી સ્કવોડને મળી જાય છે, જે વાત સત્તાધીશોની પ્રમાણિકતા ઉપર શંકા ઉપજાવે તેવી છે. આ રસ્તે આવે છે જેલમાં મોબાઇલ : જેલના સિપાહી : આરોપીઓ જેલના સિપાહીઓને રૂપિયા ખવડાવી તેમની પાસેથી જ મોબાઇલ મગાવે છે. મોબાઇલ પર વાત થઈ ગયા બાદ તેને સેઇફ જગ્યાએ મૂકી દેવા માટે પણ આ સિપાહી દ્વારા જ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. કેદી બહાર આવે ત્યારે : કાચા કામના કેદી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે અથવા તો કોર્ટમાં કોઈ તારીખ પડે ત્યારે જેલમાંથી બહાર નીકળે છે. આવા સંજોગોમાં પોલીસ કસ્ટડીમાં કેદીના સ્વજનો મોબાઈલ આપે તો જેલમાં એન્ટ્રી સમયે સિપાહીની મદદગારીથી જેલમાં મોબાઇલ ઘૂસે છે. મુલાકાત સમયે : સામાન્ય રીતે મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીને અઠવાડિયામાં એક વખત પરિવાર કે પરિચીતો સાથે મુલાકાત કરવાની મંજૂરી અપાય છે. આવા સંજોગોમાં કપડાની આપ-લે કરતી વખતે મોબાઈલ ઘૂસાડી દેવામાં આવે છે. લાઇટ બોર્ડમાંથી મળ્યું હતું સીમકાર્ડ : લાજપોર મધ્યસ્થ જેલ શરૂ થયા બાદ તા. ૨૮-૦૪-૧૨ના રોજ અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડે મધ્યસ્થ જેલમાં તપાસ આદરી હતી. દરમિયાન બેરેક નંબર ૩ના કંટ્રોલરૂમના લાઇટબોર્ડમાંથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું. કોઈ કેદીએ મોબાઇલ પર વાતો કરી આ સ્થળે સીમાકર્ડ સંતાડી દીધું હતું. આરોપીએ જૂની જેલમાંથી પોલીસ કમિશનરને ફોન કર્યો હતો : સુરત જિલ્લા જેલની બેરેક નંબર-૫માં રહેતા હત્યાના આરોપી જયેશ દિનેશ ગોહિલ જયારથી જેલમાં રહેવા લાગ્યો ત્યારથી તેણે જોયું કે જેલમાં તો આરોપીઓ મોબાઇલ પર વાત કરતા આવ્યા છે. આ વાતને સાબિત કરવા તેણે એક મોબાઇલ પરથી સીધા જ પોલીસ કમિશનરને ફોન કર્યો હતો. ફ્લાઇંગ સ્કવોડની તપાસમાં પણ મોબાઇલ મળ્યો હતો : વર્ષની શરૂઆતમાં અમદાવાદથી આવેલી ફ્લાઇંગ સ્કવોડે જૂની જિલ્લા જેલમાં દરોડો પાડ્યો હતો. તપાસ કરતાં જેલમાં બેરેક પાસેથી પસાર થતી પાણીની ગટરમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાં નોકિયા કંપનીનો એક ફોન અને બેટરી મળી આવી હતી. આ સમયે મોબાઇલમાં સિમકાર્ડ ન હતો. જેલના કેમેરા દરેક જગ્યાએ જોઈ શકતા નથી : જેલમાં ‘સેવા’ આપી ‘મેવા’ મેળવતા એક ટાઉટે પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, જેલમાં કેમેરા તો લગાવાયા છે પણ તેમાં ભ્રષ્ટ કર્મચારીઓને શોધી કાઢવા માટે કોઈ જ કાર્યવાહી થતી નથી. કેટલાક કિસ્સાઓમાં સીસી ટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ થાય તો જેલમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવે એમ છે. જે કેદીઓ રૂપિયા ખર્ચી જાણતા હોય તેમને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે. જેઓ પૈસાદાર હોય પણ રૂપિયા આપતા ન હોય તો તેમને માનસિક-શારીરિક ત્રાસ આપી આપી રૂપિયા પડાવવામાં આવે છે.