સુરતના હજારો વેપારીઓના જીવ જોખમમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર બ્રિગેડે છેલ્લાં ચાર માસ દરમિયાન ૪પ જેટલી માર્કેટોને નોટીસ ફટકારી છતાં ઘણી માર્કેટોમાં હજી પણ મેઈન્ટેનન્સના નામે પોલંપોલ, દિવ્ય ભાસ્કરે માનદરવાજા ફાયર સ્ટેશન સામેની ત્રિવિધ, અજંટા , ગોલ્ડન પ્લાઝા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ઈન્ડિયા માર્કેટ તથા કોહીનુર માર્કેટમા ફાયર સેફ્ટીની તપાસ કરતા મેઈન્ટેનન્સ નથી કરાયું રિંગરોડ પર ૧પ૦ જેટલી માર્કેટોમાં ૪૦ હજાર જેટલી દૂકાનો આવી છે તેમાં વેપારીઓ કર્મીઓ અને મુલાકાતીઓના હિ‌ત ખાતર ફાયર સેફ્ટીના સાધનોને ફૂલપ્રુફ રાખવા હવે અનિવાર્ય છે. ટ્રેડ હાઉસની આગ જેવા બનાવો લાલબત્તી ધરે છે, ત્યારે માર્કેટના વેપારીઓ ફાયર સેફ્ટીની સુવિધાના નિયમિત મેઈન્ટેનન્સ બાબતે ઉણા ઉતર્યા છે. પાલિકાના ફાયર બ્રિગેડે ફાયર સેફ્ટીના અભાવ અને મેઈન્ટેનન્સમાં પોલંપોલને લીધે ચાર માસમાં ૪પ માર્કેટોને નોટીસ ફટકારી છે. આમાં ઘણી ખરી માર્કેટોમા હજી પણ જૈસે થૈ સ્થિતિ છે. દિવ્ય ભાસ્કરે માનદરવાજા ફાયર સ્ટેશન સામે અને દુર્ઘટનાનો ભોગ બનેલા ટ્રેડ હાઉસ બાજુની પાંચ હાઈરાઈઝ માર્કેટોમાં સરવે ક્ર્યો તેમાં કેટલીક માર્કેટોમાં ફાયર સેફ્ટીનુ નામો નિશાન ન હતું તો કેટલીકમાં ફાયર સેફ્ટીના સાધનો કટાઈ ગયા હતા એક્ઝીટ રૂટ પણ ન હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. માર્કેટમાં સાંકડી ગલીઓ ટ્રેડ હાઉસ તો રિંગરોડ મુખ્ય માર્ગ ઉપર જ આવ્યું હતું તેથી ફાયરબ્રિગેડે બચાવ કામગીરી તાકિદે પાર પાડી. પરંતુ માર્કેટ વિસ્તારમાં ઘણી આંતરિક ગલીઓ છે. ત્યાં સંખ્યાબંધ માર્કેટો ધમધમી રહી છે. તેમાં ફાયરસેફ્ટી બાબતે કોઈ દરકાર લેવાઈ નથી. ત્યાં આગ લાગે તો કૂવો ખોદવા જવા જેવી હાલત સર્જા‍ય તેમ છે. ફાયર બ્રિગેડના વાહનો સ્થળ પર પહોંચી શકે તેવા પહોળા રસ્તા જ નથી. અહીં કોઈ મોકડ્રિલ થયું નથી ફાયરબ્રિગેડ દ્વારા તેમના આધુનિક સાધનોના પ્રદર્શનો તેમજ મોકડ્રીલના થતા આયોજનમાં અગાઉ હોસ્પિટલોના સ્ટાફને પ્રશિક્ષિત કરાયા હતા તેવી રીતે માર્કેટના વેપારી-કર્મીઓને પણ ફાયરફાયટિંગના સાધનો ઓપરેટ કરવાથી લઈ બચાવ અંગેનુ પ્રશિક્ષણ અપાવુ જોઈએ. પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા તાજેતરમાં કોઈ મોક ડ્રીલ કરાયું નથી. ફાયરસેફ્ટી નોમ્ર્સ શું કોઇ પણ માર્કેટ માટે ફાયર સેફટી અંગેના આ નોમ્ર્સનું પાલન જરૂરી છે - નેશનલ બિલ્ડીંગ કોડમાં હાઈરાઈઝના નોમ્સનુ પાલન કરવાનુ હોય છે. - લીફ્ટ એક પબ્લિક માટે એક ઈમરજન્સી માટે અને ઈમરજન્સી એક્ઝીટ હોવું જોઈએ. - બિલ્ડીંગમાં દાદરની પહોળાઈ ત્રણ લાઈનમાં લોકો ઉતરી શકે તેમ હોવી જોઈએ. - એક બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડીંગમાં જઈ શકે તેવા બ્રિજ હોવા જોઈએ. (સેફ્ટી પ્રિવેન્શન કોડ મુજબ) - ફિક્સ ફાયર ફાઈટીંગ સિસ્ટમ, ફાયર એિગ્સ્ટંગ્વિશર હોવા જોઈએ. - સ્મોક ડીટેક્ટર સિસ્ટમ તથા હોઝરીલ હાઈડન સીસ્ટમ રાખવી પડે. - અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ સેપરેટ ટાંકી રાખવી પડે સાથે જોકી પંપ હોવો જોઈએ. ત્રિવિધ માર્કેટ ટ્રેડ હાઉસની બાજુમાં આવેલી ત્રિવિધ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કમર્શિ‌યલ ઓફિસો છે. તો ઉપરના આઠ માળ સુધી વિવિધ દુકાનો-ઓફિસો છે. જોકે, તેમાં એક્ઝીટ રૂટ માત્ર એક જ છે. આઠ માળના બિલ્ડીંગમાં ફાયર એલાર્મ સિસ્ટમ નથી. અજંટા શોપીંગ સેન્ટર અજંટા શોપીંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સમ ખાવા પુરતા સાધનો જણાયા ન હતા. આઠ માળની બિલ્ડીંગમાં એક્ઝીટ માટે બે રસ્તા છે. પરંતુ કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો જ ન હોવાની ગંભીર બાબત બહાર આવી હતી. ઈન્ડિયા માર્કેટ ઈન્ડિયા માર્કેટની હાલત સૌથી બદ્દતર હતી. ત્યાંની માર્કેટમાં એક્ઝીટ રૂટ એક જ અને સાંકડો છે. તો ફાયરસેફ્ટીના સાધનો નામ સુદ્ધાંના પણ ન હતા. આવી સ્થિતિમાં અહીં આગ લાગે તો ફાયર બ્રિગેડને તો મુશ્કેલી નડે જ પરંતુ દુર્ઘટના પણ ગંભીર બની શકે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ગયા મહિ‌ને જ નવમા માળે આગ લાગી હતી. તેમ છતાં તેના ફાયર સેફ્ટીના સાધનો સુધારાયા નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર જ ફાયર સેફ્ટીના પાઈપમાં ભંગાણ મળ્યું હતું. આમ છતા આ માર્કેટમાં ફાયર સેફ્ટીના મેઇનટેનન્સના કોઇ ઠેકાણા નથી. ગોલ્ડન પ્લાઝા ગોલ્ડન પ્લાઝા માર્કેટમાં એક્ઝીટનો એક જ રૂટ છે. તો ફાયર સેફ્ટી માટેની પાઈપ લાઈનમાં જ ભંગાણ પડયું છે. ત્યાંના કર્મચારીએ કહ્યું હતું કે ઘણા વખતથી ભંગાણ છે તેના પર રબરની ટયુબ મારી છે તો પંપ પણ બંધ હાલતમાં છે.