તામિલનાડૂથી ૨ લાખની ઉઘરાણીએ આવેલા મેનેજરને જ પૂરી દીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તામિલનાડૂથી ૨ લાખની ઉઘરાણીએ આવેલા મેનેજરને જ પૂરી દીધો
- મીનીબજારના ડાયમંડ વર્લ્ડ ખાતેના બે કર્મચારીઓએ ઓફીસમાં બેસાડી બહારથી દરવાજો બંધ કરી - ૩ કલાક ગેરકાયદે અટકાયત, ઉઘરાણી મેનેજરે ફરિયાદ નોંધાવી


તામિલનાડૂની આર.એસ.એન્ટરપ્રાઈઝના ઓલ ઈન્ડિયાના ઉઘરાણી મેનેજર કંપનીની બાકી ૨ લાખની વસુલાત માટે મીનીબજારના ડાયમંડ વર્લ્ડ ખાતેના એમ્બ્રોડરીના વેપારીને ત્યાં આવ્યા હતા પરંતુ તેને રૂપિયા આપવાને બદલે ૩ કલાક બેસાડી રાખીને વેપારીના બે કર્મચારીઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો, ૩ કલાક સુધી પુરાયેલા રહેલા ઉઘરાણી મેનેજરે આખરે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગેરકાયદે અટકાયત અંગેનો ગુનો નોંધાયો હતો.

વરાછા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના અજમેરના વ્યાવર જીલ્લાના લેબર કોલોની ખાતે રહેતા નિરજકુમાર રામસિંગ ભેરલાલ (૩૮) તામિલનાડૂની આર.એસ.એન્ટરપ્રાઈઝ પ્રા.લી એમ્બ્રોડરીના ેબેકિંગ પેપર બનાવતી કંપનીમાં ઓલ ઈન્ડિયામાં ઉઘરાણી મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ગુરુવારના રોજ તે વરાછાના મીનીબજાર વિસ્તારના ડાયમંડ વર્લ્ડ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી એમ્બ્રોડરીના વેપારી ભાઈચંદભાઈ પિપલિયાની ઓફિસે કંપનીની બાકી ૨ લાખની ઉઘરાણી અર્થે આવ્યા હતાં.

તેને ભાઈચંદભાઈની ઓફિસના કર્મચારી ચેતન હિંમતભાઈ ગઢિયા (રહે-સંતલાલ સોસા. હિ‌રાબાગ) તથા પંકજભાઈ જગદીશપ્રસાદ શારડા (રહે-જયનગર, પરવટ પાટિયા)એ ઓફિસ ખાતે રૂપિયા લેવા માટે બોલાવતા રાત્રીના ૮.૩૦ વાગ્યાના સુમારે ઓફિસ ખાતે ગયા હતાં. ત્યાં બંને કર્મચારી સાથે વાતચિત થઈ હતી તેમાં, નિરજકુમારે વાયદા મુજબ પૈસાની માંગણી કરી હતી અને રૂપિયા લીધા વગર જવાની ના પાડી હતી. તેથી બંને કર્મચારી ચેતન અને પંકજે ઓફિસમાં બેસાડી રાખી બહારથી દરવાજો બંધ કરીને પલાયન થઈ ગયા હતાં.

ઉઘરાણી માટે આવેલા નિરજકુમાર ત્રણ કલાક સુધી ઓફિસમાં જ પુરાયેલા રહ્યાં હતા બાદ આખરે ઓફિસના જ માણસોએ દરવાજો ખોલતા બહાર આવી શક્યા હતા. તેથી નિરજકુમારે વરાછા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ કરતા ગેરકાયદે અટકાયતનો ગુનો દાખલ કરાયો હતો.ઓટોમેટિક દરવાજાને લીધે ઉઘરાણી મેનેજર ૩ કલાક પુરાયેલા રહ્યાંહેડકોન્સટેબલ સુરેન્દ્ર પીરાજીએ જણાવ્યું હતું કે, તામીલનાડૂથી ઉઘરાણી માટે નિરજ ભેરવાલ આવ્યો હતો તેને ચેતન અને પંકજે ઓફિસ ખાતે બેસાડયો હતો. ત્યાર બાદ બંને નાસ્તો કરવા બહાર જતા રહ્યાં હતા પરંતુ ઓફીસનો દરવાજાનો લોક ઓટોમેટિક હોય બંધ થઈ ગયો હતો. તેને લીધે નિરજકુમાર અંદર બંધ થઈ ગયા હતાં. જોકે, બંને પાર્ટીઓની લેતીલેતી મામલે ખટરાગ થયો હતો.’