માંડવીના વડજાખણમાં દીપડાએ વાછરડું ફાડી ખાધું, લોકોમાં ફફડાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના તરસાડા ખાતે પાંજરુ મુકી લોકો દીપડાની રાહ જોતા રહ્યા અને દીપડાએ દિશા બદલી
સતત બે દિવસથી દીપડાએ પશુધન પર હુમલો કરતાં પશુપાલકોમાં ભય
માંડવી તાલુકાના તાપી કિનારાના તરસાડા બાર ગામે પ્રથમવાર દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવી બબ્બે વાછરડાને ફાડી ખાધા બાદ એને પકડવા માટે પાંજરુ ગોઠવ્યું હતું. પરંતુ દીપડો વધુ ચાલક નીકળ્યો અને તરસાડાની જગ્યાએ દિશા બદલી નજીકમાં જ વડજાખણ ગામે ગત રાત્રિએ ત્રાટકી ખેતરની બંગલી આગળ બાધેલા વાછરડાને ફાડી ખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ બનાવ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિ‌તી અનુસાર મંગળવારની મોડી રાત્રિએ તરસાડા ગામમાં દીપડો આવી એક સાથે બે વાછરડાને ફાડી ખાધા હતાં. ત્યારબાદ વનવિભાગને જાણ કરતાં આરએફઓ દોશી તથા તેના સ્ટાફે તે જગ્યાએ મારણ સાથે પાંજરુ ગોઠવ્યું હતું.
સ્થાનિક રહીશો રાત્રિ દરમિયાન દીપડા ફરી આવતાં પાંજરે પુરવાના અનુમાનો લગાવી રહ્યાં હતાં. પરંતુ સ્થાનિકોનું અનુમાન મોટું નીકળ્યું હતું. અને દીપડાએ દિશા બદલી નાંખી હતી અને તરસાડા ગામની પડખે આવેલા નદી કિનારાના વડજાખણ ગામમાં પ્રવેશ કર્યો હતો.
વડજાખણ ગામે વિક્રમસિંહ હમીરસિંહ મહિ‌ડાના ખેતરમાં આવેલી બંગલી બહાર બાંધેલા ઢોરમાંથી દોઢેક વર્ષના એક વાછડાને જાણે નિશાન બનાવી તેને ફાડી ખાધું હતું. આમ સતત બે દિવસ દીપડાના હુમલાથી લોકો થથરી રહ્યાં છે. વનવિભાગ વડજાખણ ખાતે પણ પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી છે.
દિવસે ખેતીવાડીનો વીજ પ્રવાહની માગ
તરસાડા અને વડજાખણ ખાતે બે રાત્રિના દીપડાના હુમલાથી લોકો ખેતરે જતા પણ ડરી રહ્યાં છે. શેરડીમાં પાણી ભરવા તથા પાણી પીવડાવવા માટે મજૂરો રાત્રિ દરમિયાન આવતાં નથી. ત્યારે શરૂ થયેલા ઉનાળામાં ખેતરના પાકો સૂકાઈ રહ્યાં છે. આવા સંજોગોમાં જીઈબી દ્વારા તરસાડા ફીડર પર દિવસ દરમિયાન જ ખેતી વિષયક વીજ પ્રવાહ આપવામાં આવે એવી લોકમાગ ઉઠી છે.
બેથી ત્રણ દીપડાની ચર્ચાથી ભયનો માહોલ
તરસાડા અને વડજાખણ ગામે દીપડાએ વાછરડાને ફાડી ખાધા બાદ સ્થાનિક રહીશોમાં દીપડા અંગે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. જેમાં આ વિસ્તારમાં બેથી ત્રણ દીપડા હોવાની ચર્ચાથી લોકોમાં ભયનો માહોલ સર્જા‍યો છે. તાકીદે પાંજરે પુરાય એવી આશા સેવી રહ્યાં છે.